રાજકોટનું તોલમાપ તંત્ર રામભરોસે: ગ્રાહકો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે
સરકારનું અભિયાન જાગો.. ગ્રાહકો જાગો… પરંતુ તોલમાપ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
રાજકોટના તોલમાપ અધિકારી પાસે કચ્છ જિલ્લાનો વધારાનો ચાર્જ હોવાથી કામગીરી પર પડી રહી છે વ્યાપક અસર
રાજકોટની વસ્તીનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે તેની સાથેસાથ શહેર અને જિલ્લામાં ઔદ્યોગિક એકમો, દુકાનો, શોપિંગ મોલ ડીન પ્રતિદિન વધી રહ્યા છે આવા સંજોગોમાં રાજકોટ શહેર અને જિલ્લાની એકમાત્ર તોલમાપ કચેરીમાં ગણ્યા ગાંઠિયા સ્ટાફથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. શોપિંગ મોલ તેમજ હાઇવે ઉપરની હોટલ, રેસ્ટોરન્ટમાં ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. જ્યારે શહેરના અમુક ચોક્કસ મિલ્ક પાર્લર અને ડેરી ફાર્મતેમજ જનરલ સ્ટોરમાં કંપનીઓના છાપેલા ભાવ કરતા વધુ ભાવ પડાવતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ઠંડા-પીણા તેમજ દૂધ અને છાશમાં પ્રિન્ટ કરેલી પ્રાઈઝ કરતા વધુ લેવામાં આવે છે. એક તરફ રાજ્ય સરકાર જાગો ગ્રાહકો જાગો અંતર્ગત આવા ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે તમને કોઈ વધુ ભાવ લે તો ફરિયાદ કરો પરંતુ રાજકોટની તોલમાપ કચેરી દ્વારા લાંબા સમયથી આ બાબતે કોઈપણ ચેકિંગ ન થતા ધંધાર્થિઓને મોકળું મેદાન મળી ગયું છે. રાજકોટનું તોલમાપ તંત્ર રામભરોસે હોય તેવો માહોલ સર્જાયો છે. પરિણામે ગ્રાહકો લૂંટાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વાત આટલેથી જ અટકતી નથી પરંતુ શહેરની અમુક ચોક્કસ કરિયાણાની અને જનરલ સ્ટોરની દુકાનોમાં વેચાતા પાઉચ પેકિંગમાં ક્યારેક એક્સપાયરી ડેટના પદાર્થો પણ વેચાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ક્યારેક આરોગ્ય સાથે આવા લોકો ચેડા કરતા હોવાની વિગતો બહાર આવી છે. ચોક્કસ ગૃહ ઉદ્યોગ દ્વારા વેચાતા બેકરી પ્રોડક્ટસ તેમજ ખાખરા અને પાપડ તેમજ ફ્રાઈમ્સ સહિતના ધંધાર્થીઓ આકર્ષક પેકિંગમાં વેચાતી આવી વસ્તુઓમાં ત્યારે બેસ્ટ બીફોર અથવા પેકિંગ ડેટ કે એક્સપાઇરી ડેટ તેમજ ઉત્પાદન કર્તાનું સ્થળ અને નામ પણ દર્શાવેલું હોતું નથી. અમુક સંજોગોમાં વધુ કિંમતો લેવામાં આવતી હોય છે તોલમાપ તંત્ર દ્વારા આવી ચેકિંગ લગભગ છેલ્લા કેટલાય દિવસોથી કરવામાં આવી ન હોવાની હકીકત બહાર આવી છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હાઇવે ઉપરની હોટલોમાં પાઉચ પેકિંગમાં વેચાતા ખાદ્ય પદાર્થોની મૂળ કિંમત કરતાં એક થી પાંચ રૂપિયા વધુ લેવામાં આવે છે ત્યારે હાઇવે ઉપર હોટલ રેસ્ટોરન્ટ કે ધાબામાં તોલમાપ વિભાગ દ્વારા ક્યારે પણ ચેકિંગ ન થતા ગ્રાહકો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ અમુક મલ્ટિપ્લેક્સ થિયેટરમાં પણ મિનરલ વોટર થી માંડી ઠંડાપીણામાં પણ આવી છેતરપિંડી થઈ રહ્યા હોવાની હકીકતો બહાર આવી છે. રાજ્ય સરકાર જાગો ગ્રાહકો જાગો અંતર્ગત ગ્રાહકોને જગાડવા માટેના ઘનિષ્ટ પ્રયાસ કરે છે પરંતુ રાજકોટનું તોલમાપનું તંત્ર જાણે નિંદ્રાધીન અવસ્થામાં સરી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ઠંડા પીણા, દૂધ, છાશમાં છાપેલી કિંમત કરતા વધુ પૈસા પડાવવામાં આવે છે. જ્યારે પેટ્રોલ પંપ ઉપર પણ વાહનચાલકને ઓછું પેટ્રોલ ધાબડી દેવામાં આવતું હોય છે. આ બાબતે પણ ચેકિંગ ન કરવામાં આવતા વાહનચાલકો લૂંટાઈ રહ્યા છે.
પેકેજ કોમોડિટી એક્ટ હેઠળ ઉત્પાદન કર્તાનું નામ સરનામું તેમજ બેસ્ટ બિફોર ડેટ હોતી નથી
સામાન્ય રીતે કોઈપણ ખાદ્ય વસ્તુઓ ઉપર પેકિંગ ડેટ અને એક્સપાયર અથવા બેસ્ટ બીફોર ડેટ લગાવવી ફરજિયાત છે ક્યારે ઉદ્યોગના નામે આવા ખાદ્ય પદાર્થો બેકરી પ્રોડક્ટસ કે ફ્રાઈમ્સના પાઉચ પેકિંગ કરતા ધંધાર્થીઓ દ્વારા ઉત્પાદન કર્તાનું નામ, સરનામું ભાગ્યે જ પ્રિન્ટ કરવામાં આવે છે. સાથોસાથ આવા પાઉચ પેકિંગ ઉપર ફક્ત કસ્ટમર કેર નંબર છાપેલો હોય છે. આ ઉપરાંત ક્યારે ઉત્પાદન થયું? આરોગ્ય માટે હાનિકારક છે કે નહીં? તે સહિતની બાબતો ટોતોલમાપ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી નથી. સાથોસાથ એક્સપાયરી ડેટ પણ લગાવવી જરૂરી છે. અમુક જનરલ સ્ટોરમાં એક્સપાયર થઈ ગયેલી ફ્રાઈમ્સ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ, બેકરી પ્રોડક્ટ્સ તેમજ ફરસાણના રેડિમેડ પેકિંગ બે રોકટોક વેચતા હોવાની ફરિયાદો ઉઠી છે. આવી કોઈ વિગતો જાહેર કરવામાં આવી ન હોય તો તોલમાપ તંત્ર દ્વારા પેકેજ કોમોડિટી એક્ટ હેઠળ ઉત્પાદન કરનાર અને વેચનાર બંને સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે પરંતુ રાજકોટનું તોલમાપ તંત્ર આવી કામગીરી ફક્ત કાગળ ઉપર જ કરી રહી હોય તેમ સંતોષ માને છે.
તોલમાપ તંત્રને મહિનાના 30 કેસનો આપવામાં આવે છે લક્ષ્યાંક
જાગો ગ્રાહકો જાગો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકો સાથે તોલમાપ બાબતે થતી છેતરપિંડી બાબતોને ધ્યાનમાં રાખી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ગ્રાહકોને જગાડે છે પરંતુ તોલમાપ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી ગયું છે તેની સામે એક્શન લેવા જરૂરી બની ગયા છે. રાજકોટ જિલ્લાના તોલમાપ તંત્ર પાસે સ્ટાફની ઘટ હોવાની દલીલો કરી મહિનાના 30 કેસ બતાવી કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. આવા લક્ષ્યાંકને મહિના દરમિયાન માંડ માંડ પૂર્ણ કરી દેવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલ નવરાત્રીના સમયમાં મોડી રાત સુધી ચાલતી હોટલ રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાના અને મિનરલ વોટરના ધંધાથીઓ દ્વારા ગ્રાહકો પાસેથી પ્રિન્ટ કરેલી પ્રાઈઝ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે રાજકોટ તોલમાપ અધિકારી કે જેની પાસે કચ્છનો પણ વધારાનો ચાર્જ હોવાથી રાજકોટ ઉપર પૂરતું ધ્યાન આપી શકતા ન હોવાની પણ માહિતી બહાર આવી છે.