રાજકોટ : આર્થિક ભીંસથી કંટાળી પટેલ કારખાનેદારનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટમાં વધુ એક કારખાનેદારે આર્થિક ભીંસમાં આવી જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના બની છે. જેમાં ગોંડલ રોડ ઉપર આવેલા શિવનગરમાં રહેતા અને પટેલનગરમાં હાર્ડવેરનું કારખાનું ધરાવતા કારખાનેદારે ધંધો નહીં ચાલતા આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
હાર્ડવેરનો ધંધો નહીં ચાલતા પ્રૌઢે ચિંતામાં ભર્યું પગલું : પરિવારમાં કલ્પાંત
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજની પાછળ આવેલા શિવનગરમાં રહેતા અને પટેલનગરમાં હાર્ડવેરનું કારખાનું ચલાવતા નિમેશભાઈ રવજીભાઈ સખીયા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક નિમેશભાઈ સખીયા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. નિમેશભાઈ સખીયા પટેલનગરમાં હાર્ડવેરનું કારખાનું ધરાવતા હતા. ધંધો નહીં ચાલતા આર્થિકભીંસથી કંટાળી નિમેશભાઈ સખીયાએ આ પગલું ભર્યા હોવાનું બહાર આવ્યું છે.