રાજકોટ આજે પણ ઘગધગ્યું : 36 ડિગ્રી
હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 55 ટકા થતા ઉકળાટ
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં ફરી સૂર્યદેવતા કોપાયમાન થયા હોય તેવી અનુભૂતિ વચ્ચે મંગળવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને આંબી ગયો હતો, બીજીતરફ હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 ટકા રહ્યા બાદ બપોરે ઘટીને 55 ટકા થઇ જતા લોકોને આકરાતાપની અનુભૂતિ થઇ હતી.
ચાલુ અઠવાડિયામાં મેઘરાજાએ વિરામ લેતા જ ગરમીએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, છેલ્લા બે દિવસમાં જ મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થયો છે અને લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ઉનાળાની જેમ સવારના સમયે જ ગરમીની અનુભૂતિ થઇ રહી છે, રાજકોટમાં મંગળવારે લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું, નોંધનીય છે કે, ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી રહ્યું હતું.સાથે જ હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 89 ટકા રહ્યા બાદ બપોરે ભેજ ઘટીને 55 ટકા થયો હતો જેને કારણે લોકોને આકરાતાપની અનુભૂતિ થઇ હતી,