રાજકોટ : આજથી લોકમેળાના સ્ટોલ અને પ્લોટના ફોર્મનું વેચાણ શરુ
સ્ટોલ અને પ્લોટના ભાડામાં 10થી 12 ટકા સુધી તોળાતો ભાવ વધારો
ઇન્ડિયન બેન્ક (ત્રિકોણ બાગ) અને સિટી 1 પ્રાંત કચેરીએથી ફોર્મ વિતરણ થશે
રાજકોટ : આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળા માટે આજથી બે સ્થળે ફોર્મ વિતરણ શરૂ થનાર છે, શહેરના ત્રિકોણબાગ નજીક આવેલ ઇન્ડિયન બેન્ક અને સિટી 1 પ્રાંત કચેરી એમ બે જગ્યાએથી ફોર્મ વિતરણ કરવામાં આવશે, સાથે જ આ વર્ષ સ્ટોલની સંખ્યા ઘટવાની સાથે મોંઘવારી જોતા સ્ટોલ અને પ્લોટના ભાવમાં 10થી 12 ટકા જેટલો ભાડાંવધારો કરવામાં આવે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
રાજકોટમાં જન્માષ્ટમી પર્વે શહેરના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ વર્ષે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને કારણે ક્રાઉડ કંટ્રોલ માટે મેળામાં સ્ટોલ અને રાઇડ્સની સંખ્યા ઘટાડી નાખવામાં આવી છે ત્યારે આજથી લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ માટે શહેરના ત્રિકોણબાગ નજીક આવેલ ઇન્ડિયન બેન્ક અને સિટી 1 પ્રાંત કચેરી એમ બે જગ્યાએથી ફોર્મ વિતરણ કરવામાં આવશે.
વધુમાં લોકમેળાને પણ મોંઘવારી નડી હોય તેવા સંકેતો વચ્ચે લોકમેળા સમિતિ દ્વારા સ્ટોલ અને પ્લોટના ભાડામાં આ વર્ષે 10થી 12 ટકા જેટલો વધારો કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે સાથે જ લોકમેળાની તૈયારીનો ધમધમાટ જોરશોરથી શરૂ કરી તંત્ર દ્વારા વિવિધ આયોજન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાં માટે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.