રાજકોટ : લોકમેળાના ધંધાર્થીઓને દોઢ કરોડથી વધુનું રિફંડ ચુકવાયું
ચેક તૈયાર છે છતાં 20 ટકા ધંધાર્થીઓ રિફંડ લેવા નથી આવ્યા
રાજકોટ : ભારે વરસાદને પગલે રાજકોટનો લોકમેળો ધોવાઈ જતા લોકમેળા સમિતિએ ખાણીપીણી, આઇસ્ક્રી, રમકડાં સહિતના ધંધાર્થીઓને રીફંડનું ચૂકવણું શરૂ કરી દીધું છે જેમાં 80 ટકા વેપારીઓએ દોઢ કરોડ જેટલું રીફંડ મેળવી ગયા છે અને ચેક તૈયાર હોવા છતાં હજુ 20 ટકા વેપારીઓએ રીફંડ મેળવવા માટે આવ્યા ન હોવાનું સામે આવ્યું છે.
જન્માષ્ટમીના તહેવાર સમયે જ ભારે વરસાદ આવતા લોકમેળા સમિતિએ મેળાનું આયોજન રદ કરી ખાણીપીણી, રમકડાં, આઈસ્ક્રીમ સહિતના ધંધાર્થીઓને સ્ટોલભાડા, ડિપોઝીટ સહિતની રકમ રિફંડ કરવામાં આવી રહી છે જેમાં કેટેગરી-બીના સ્ટોલ ધારકોને રૂા.44.40 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ કેટેગરીમાં હવે માત્ર રૂા.3.60 લાખની રકમ જ વેપારીઓને ચૂકવવાની બાકી છે. જયારે કેટેગરી-સીમાં તમામ વેપારીઓને રૂા.2.40 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે. આવી જ રીતે કેટેગરી-જેમાં તમામ વેપારીઓને રૂા.75 હજારની રકમ ચૂકવી દેવામાં આવી છે.
જયારે કેટેગરી-કેમાં રૂા.60 હજાર ચૂકવવામાં આવેલ છે અને રૂા.1.20 લાખની રકમ ચૂકવવાની હજુ બાકી છે. કેટેગરી એકસમાં રૂા.74.40 લાખની રકમ તમામ વેપારીઓને ચૂકવી દેવામાં આવી છે. કેટેગરી બી-1માં રૂા.28 લાખ ચૂકવવામાં આવેલ છે. જયારે 6.12 લાખ ચૂકવવાના બાકી છે. કેટેગરી બી-2માં રૂા.13.50 લાખ વેપારીઓને ચૂકવી દેવામાં આવેલ છે. અને રૂા.1.50 લાખ ચૂકવવાના બાકી છે. તેમજ ખાણી પીણીની એ કેટેગરીમાં તમામ વેપારીઓને રૂા.5.90 લાખની રીફંડની રકમ ચૂકવી દેવામાં આવતા અત્યાર સુધીમાં તંત્રે દોઢેક કરોડથી વધુની રકમ પરત કરી છે અને બાકી રહેતા તમામ વેપારીઓ માટે પણ ચેક તૈયાર રાખવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.