રાજકોટ મનપાની 26 પે એન્ડ પાર્ક સાઈટનું કોઈ ‘લેવાલ’ નહીં !
કમાણી' થાય તે સાઈટ માટે અપસેટ કિંમત કરતાં બમણા, ત્રણ ગણા ભાવ આવ્યા
દિવસના પંદર વાહન પણ પાર્ક થવા ન આવે એવી સાઈટની કિંમત ઉંચી રખાતાં તો અમુક સાઈટ પર ઘરના નાખવા પડે' તેવી નોબત થવાની ભીતિએ ભાવ ન ભરાયા
રિંગ’ થઈ ગયાની પણ આશંકા: જે સાઈટ માટે ટેન્ડર ન ભરાયું હોય તેને અપસેટ કિંમતે આપી દેવા પણ તૈયારી: આજે દરખાસ્ત અંગે નિર્ણય લેશે સ્ટેન્ડિંગ કમિટી
મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ સ્થળે ૬૨ જેટલી પે એન્ડ પાર્કિંગ સાઈટ ભાડે આપવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા નવી પાર્કિંગ પોલિસીને મંજૂરી આપવામાં આવતાં આ ૬૨ પૈકી ૩૫ સાઈટ બે વર્ષ માટે ભાડે આપવાનું ટેન્ડર જાન્યુઆરી મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે આ 35 પૈકી 26 સાઈટનું કોઈ જ લેવાલ ન થતાં હવે તેને અપસેટ કિંમતે આપવી કે ફરીથી ટેન્ડર કરવું તે અંગે નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ નવ સાઈટ માટે ભાવ ભરવામાં આવ્યા હોય તે સાઈટને મંજૂરી આપવા માટેની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવતાં આજે તેના ઉપર નિર્ણય લેવામાં આવશે.
એકંદરે ૩૫માંથી 26 સાઈટ માટે ટેન્ડર ન ભરવા પાછળ આમ તો અનેક કારણ જવાબદાર છે પરંતુ મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ સાઈટ પૈકી અનેક સાઈટ એવી છે જ્યાં દિવસના પંદર વાહન પણ પાર્ક થવા આવે તેમ ન હોવા છતાં તેની અપસેટ કિંમત વધુ રાખવામાં આવી છે. વળી, અમુક સાઈટ એવી પણ છે જે ભાડે લીધા બાદ નિશ્ચિત સંખ્યામાં વાહન પાર્ક ન થાય તો પછી કોન્ટ્રાક્ટરે ઘરના નાખવા પડે' તેવી ભીતિ પણ નકારી શકાતી નથી. આ બધા પરિબળોને કારણે જ ભાવ ન ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમુક સાઈટ માટે
રિંગ’ થઈ ગયાની આશંકા પણ નકારી શકાતી નથી.
જે સાઈટ ઉપર ટેન્ડર ભરવામાં આવ્યું નથી તેને અપસેટ કિંમતે આપી દેવી કે પછી નવેસરથી ટેન્ડર કરવું તે અંગેનો નિર્ણય પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે લેવામાં આવશે.

