રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી શું કહ્યું ચેરમેન જયમીન ઠાકરે જુઓ વિડિયો
મહાપાલિકાના અધિકારીઓએ લોકોનું મનોરંજન મોંઘુ કરવા તેમજ શરીરને ફિટ એન્ડ ફાઈન રાખવા ઈચ્છુકોને સો વખત વિચાર કરવો પડે તેટલો ફી વધારો કરવાની ઈચ્છા પર શાસકોએ કરવત ફેરવી દીધી છે. એકંદરે કરોડોનો ટેક્સ ચૂકવતાં શહેરીજનોને અધિકારીઓ દ્વારા અપાયેલા ડામ' પર શાસકોએ
મલમ’ ચોપડી દીધો છે ! અધિકારીઓ દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂ, મહાપાલિકા હસ્તકના જીમ, સ્વિમિંગ પુલ, એથ્લેટિક ટે્રકની સભ્યપદ ફીમાં ૩૦૦થી ૨૪૦૦ સુધીનો વધારો કરતી દરખાસ્ત મુકી હતી જેને સ્ટેન્ડિંગ કમિટીએ કલમના એક ઝાટકે નામંજૂર કરી દઈને લોકોને રાહત આપી છે.
લોકોના હરવા-ફરવાના સૌથી પ્રિય સ્થળ એવા પ્રદ્યુમન પાર્ક ઝૂની ફીમાં બમણો વધારો કરવાનો ઈરાદો અધિકારીઓ દ્વારા જાહેર કરાયો હતો. ખાસ કરીને ટિકિટના દરમાં ૧૦થી ૨૫ અને ફોટોગ્રાફીના દરમાં ૮૦ રૂપિયા સુધી તેમજ જો કોઈ પ્રોફેશનલ કેમેરાથી પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ફોટોગ્રાફી કરે તો તેની ફી ૨૦૦૦માંથી વધારી ૪૦૦૦ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેના પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી દીધી છે. આવી જ રીતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલા એથ્લેટિક ટે્રક કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો દોડવા માટે આવે છે ત્યાંની માસિક ફીમાં ૩૦૦, ત્રિ-માસિક ફીમાં ૮૦૦, છ-માસિક ફીમાં ૧૩૦૦, વાર્ષિક ફીમાં ૨૫૦૦ સુધીનો વધારો સુચવાયો હતો. આવી જ રીતે સ્વિમિંગ પુલની સભ્યપદ ફી ૧૦૭૦માંથી વધારી ૨૭૦૦, ૧૨૭૦માંથી વધારી ૩૬૦૦, ત્રિ-માસિક ફી ૪૭૦માંથી વધારી ૯૦૦ અને ૬૭૦માંથી વધારી ૧૨૦૦ કરવાની દરખાસ્ત મુકાઈ હતી તો જીમ માટે ૨૫૦થી ૨૪૦૦નો વધારો કરવાનું સુચવાયું હતું જેને કમિટીએ નામંજૂર કર્યું છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે પ્રજા ટેક્સ ભરી જ રહી છે એટલા માટે તેના ઉપર વધારો કરીને બોજ નાખવાનો કોઈ જ મતલબ રહેતો ન હોય આ દરખાસ્તોને બહાલી આપવામાં આવી નથી.
૧૨ કરોડની જમીન ૭ કરોડમાં લેવાનો કારસો નિષ્ફળ!
મહાપાલિકા દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ૧૨ કરોડની કિંમતનો ટીપી સ્કીમનો વાણિજ્ય હેતુનો પ્લોટ વેચવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા આ જમીન ખરીદવામાં રસ દાખવાયો હતો. આ જમીન ૬૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી.ના ભાવે વેચવાની દરખાસ્ત અધિકારીઓ દ્વારા કરાઈ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ધ્યાન ઉપર અહીં જમીનનો ભાવ ૬૦,૦૦૦ નહીં બલ્કે એક લાખ હોવાનું આવતાં જ દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી હતી. એકંદરે ૧૨ કરોડની આ જમીન ૭ કરોડમાં પડાવી લેવાનો કારસો નિષ્ફળ નિવડ્યો હતો.
બાંધકામ શાળાનું, ખર્ચનો અંદાજ આવ્યો ફાઈવ સ્ટાર હોટેલ જેવો!!
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વોર્ડ નં.૫માં મહાપાલિકા હસ્તકની શાળા નં.૭૨નું બાંધકામ નવું કરવાની દરખાસ્ત આવી હતી. આ કામ કરવા માટે આર.કે.ક્નસ્ટ્રક્શને ૨.૮૦ કરોડનો ખર્ચ મુક્યો હતો. મતલબ કે પ્રતિ ચો.મી.૧૭૫૦૦નો ભાવ આવતા સ્ટેન્ડિંગ કમિટી પણ ચોંકી ઉઠી હતી કેમ કે અહીં શાળાનું બાંધકામ કરવાનું હતું નહીં કે ફાઈવસ્ટાર હોટેલનું ! આ ખર્ચ અત્યંત તોતિંગ લાગતા આખરે દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે.
વારંવાર `ઘેરાયા’ બાદ આખરે કોઠારિયા રોડ પર નવા રસ્તાનું કામ મંજૂર
પાછલા છએક મહિનાની અંદર અંદાજે ત્રણથી ચાર વખત વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરોનો ઘેરાવ થવા ઉપરાંત મેયર સહિતનાને વારંવાર રજૂઆત બાદ અંતે વોર્ડ નં.૧૮માં રોલેક્સ રોડ (માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ સુધી)ના રસ્તાને નવો બનાવવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. જો કે આ માટે ૨૧% `ઓન’થી પટેલ ક્નસ્ટ્રક્શનને કામ આપવામાં આવ્યું છે જેનો ખર્ચ ૫,૩૨,૩૩,૯૫૦ રૂપિયા થશે.