રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું : 1.10 લાખ ગુણીની આવક
ટેકાના ભાવની ખરીદી વચ્ચે કપાસ, સોયાબીનની પણ ચિક્કાર આવક થઇ
રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રારંભ સાથે જ યાર્ડમાં મગફળીની સાથે સાથે કપાસ અને સોયાબીની ચિક્કાર આવક થઇ હતી. યાર્ડમાં વહેલી સવારથી 700 જેટલા વાહનોમાં ખેડૂતો જણસી લઈને ઉમટી પડતા 8 કિલોમીટર લાંબી લાઈનો જામી હતી જો, કે યાર્ડની વ્યવસ્થાને લઈ તમામ માલની સમયસર ઉતરાઈ કરી દેવામાં આવી હતી.
દિવાળી વેકેશન પૂર્ણ થતા જ રાજકોટ યાર્ડમાં ખેડૂતો ખરીફ સીઝનની ખેતપેદાશ વેચવા માટે મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ગઈ હોય ખેડૂતો મગફળી વેચાણ માટે પણ લાઈનો લગાવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં મંગળવારે મગફળીની 1.10 લાખ ગુણીની આવક થઇ હતી. સાથે જ 15 હજાર મણ કપાસ અને 40 હજાર મણ સોયાબીનની આવક થતા યાર્ડ ખેડૂતોની જણસીથી છલકાઈ ઉઠ્યું હતું.
રાજકોટ યાર્ડમાં નવી તુવેરના રૂ.2525ના ભાવે મુહૂર્તના સોદા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી સીઝનની તુવેરની પ્રથમ વખત મંગળવારે આવક થતા ખેડૂતને રૂપિયા 2525નો ઉંચો ભાવ આપી મુહૂર્તનો સોદો કરવામાં આવ્યો હતો. રાજકોટ યાર્ડમાં જીયાણા ગામના ખેડૂત ગોપાલભાઈ લાલજી નવી તુવેર લાવતા કમિશન એજન્ટ સાગર માર્કેટિંગ મારફતે જય જલારામ ટ્રેડિંગ કંપનીએ રૂપિયા 2525ના ભાવે 5 કવીન્ટલ તુવેર ખરીદ કરી હતી.