રાજકોટ માર્કેટિંગ યાર્ડને એક વર્ષમાં રૂ.41.31 કરોડની આવક
ખેડૂતો કમાઈ કે ન કમાઈ.. યાર્ડે કરોડોની કમાણી કરી
વર્ષ 2024-25માં યાર્ડે રૂ.31.43 કરોડનો ખર્ચ કરતા રૂ.9.87 કરોડની બચત થઇ
રાજકોટ : સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળતા પોષણક્ષમ ભાવને કારણે રાજકોટ જ નહીં બલ્કે આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાની ખેતપેદાશ વેચાણ માટે રાજકોટ આવી રહ્યા હોવાથી નાણાંકીય વર્ષ 2024-25માં રાજકોટ માર્કેટિંગ યાર્ડને અધધધ કહી શકાય તેવી રૂ.41.31 કરોડથી વધુની આવક થઇ છે. સાથે જ નવા અને જુના યાર્ડમાં વિકાસ કામો પાછળ ખર્ચ કરવા છતાં રાજકોટ યાર્ડને ચાલુ વર્ષમાં રૂ.9.87 કરોડની બચત થઇ છે. જો કે, બીજીતરફ ખેડૂતો હાલમાં બજારભાવ નીચા મળી રહ્યા હોવાની ફરિયાદો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને આવક થાય કે ન થાય પણ રાજકોટ યાર્ડને ચોક્કસથી કમાણી થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
નાણાંકીય વર્ષ 2024-25નું આવક-જાવકનું સરવૈયુ દર્શાવતાં માર્કેટ યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાએ જાહેર કર્યું હતું કે, ચાલુ વર્ષે યાર્ડની આવક 41.31 કરોડ પહોંચી છે.જે ગત વર્ષની સરખામણીએ 13 ટકા વધુ છે. કરકસરયુકત વહિવટ થકી રૂ.9.87 કરોડની બચત પણ કરવામાં આવી હોવાનું તેમને જાહેર કર્યું હતું. ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021 થી ચેરમેનપદ સંભાળ્યુ ત્યારથી અત્યાર સુધીનાં કાર્યકાળમાં 43 કરોડના વિકાસ કામો કર્યા છે અને ચાલુ વર્ષમાં 16.8 કરોડના પ્રોજેકટ છે. એટલે કુલ 51 કરોડના કામો થશે. સાથે જ વર્ષ 2021માં યાર્ડની આવક 24 કરોડની હતી જે વધીને રૂ 41 કરોડથી વધુ થઈ હોવાનું જણાવ્યું હતું.
ચેરમેન બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટના બેડી યાર્ડમાં વિકાસ કામો કરવાની સાથે જ પોપટભાઈ સોરઠીયા યાર્ડ (જુના માર્કેટ યાર્ડ)નુ પણ રીનોવેશન કરવામાં આવ્યું છે. જુના યાર્ડનાં તમામ મેઈન રોડમાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતુ હોવાથી ત્યાં આરસીસી અને બાકીમાં ડામરકામ કરાવાયું છે.ઉપરાંત વધારાના ટોઈલેટ બ્લોક બનાવીને સંચાલન ખાનગી એજન્સીને સોંપાયું છે. જેથી સમગ્ર યાર્ડ સંકુલમાં સ્વચ્છતાનાં કડક ધોરણોનો અમલ થયો છે.આવનાર સમયમાં નવા યાર્ડ ખાતે ખેડૂતોની માલના રક્ષણ માટે નવા પ્લેટફોર્મ તેમજ જુના માર્કેટયાર્ડમાં બાકી રહેલ પ્લેટફોર્મ નંબર 1 નું રીનોવેશન તેમજ શાકભાજી મેઈન રોડ પર આવેલા ડુંગળીના પ્લેટફોર્મનું રીનોવેશન હાથ ધરવામાં આવશે.
વધુમાં અનાજ વિભાગ તેમજ શાકભાજી વિભાગમાં ચેરમેન દ્વારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું.માર્કેટયાડમાં કામ કરતાં લાયસન્સદાર હમાલ,મજુર, તોલાટ કામ કરતા વ્યક્તિઓના આકસ્મિક અવસાન બદલ રૂપિયા 50,000 સહાયની નવી યોજના ચાલુ કરવામાં આવેલ છે. ઉપરાંત સરકારની ખેડૂતોને લગતી ઓનલાઈન સેવાનો લાભ ખેડૂતોને મળી રહે તે હેતુથી માર્કેટયાર્ડમાં કિશાન સેવા કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવેલ છે. બજાર સમિતિ દ્વારા નહિ નફો અને નહી નુકશાનના ધોરણે બજાર સમિતિ રાજકોટની બ્રાન્ડનેમથી ઘઉં વેચાણ માટેનું રીટેઇલ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવેલ હોવાનું તેમને ઉમેર્યું હતું.
આ ઉપરાંત રાજકોટના મુખ્યયાર્ડ તથા સબયાર્ડમાં 100% CCTV સર્વેલેન્સ થી આવરી લીધેલ હોવાનું જણાવી બજાર સમિતિ રાજકોટમાં ખેડૂતોના માલને વાતાવરણની પ્રતિકુળ અસરથી બચાવવાના હેતુથી નવો બનાવવામાં આવેલ શેડ સમગ્ર રાજ્યમાં સૌથી મોટો હોવાનું તેમજ બજાર સમિતિ દ્વારા રાજકોટના મુખ્યયાર્ડમાં હયાત પ્લેટફોર્મ વચ્ચેના રોડને પણ કવર કરી પ્લેટફોર્મ ઉપર ડોમ બનાવવામાં આવેલ છે. જેથી વરસાદી વાતાવરણથી સંપૂર્ણ સુરક્ષા આપી શકાય છે. તેઓએ ઉમેર્યું કે યાર્ડનાં તમામ ડાયરેકટરો તથા સ્ટાફના સાથ સહકારથી વિકાસની નવી ઉંચાઈ હાંસલ કરવાનું શકય બન્યુ છે.