રાજકોટ : સરકારી જમીન ખાનગી કરી દેવા પ્રકરણમાં મામલતદાર કચેરીના ઢાંક પિછોડા, રાવળાહક્કની બોગસ એન્ટ્રીમાં તલાટીએ લાંચમાં લીધેલી કિયા કાર છીનવાઈ
- સરકારી જમીન ખાનગી કરી દેવા પ્રકરણમાં મામલતદાર કચેરીના ઢાંક પિછોડા
- રેવન્યુ તલાટીએ ભ્રષ્ટાચારના નાણાંમાંથી વચેટિયાના નામે કિયા કાર ખરીદી હતી : કામ ન થતા અરજદારો કિયા લઈ ગયા
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના તત્કાલીન માધાપર ગ્રુપ તલાટીએ બોગસ રાવળાહક્કના હુકમને આધારે ગામ નમૂના નંબર-2માં નોંધ પાડી એક એકરથી વધુ સરકારી જમીનની રાજકોટના રિંગરોડ ઉપર ઘંટેશ્વરમાં લ્હાણી કરી દેવા પ્રકરણમાં મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ કુકરી બરાબરની ગાંડી થઇ છે. જો કે,આશ્ચર્ય તો એ વાતનું છે કે સરકારી પગાર લેતા તાલુકા મામલતદાર કચેરીના કર્મચારીઓ સરકારી જમીન બચાવવાને બદલે રેવન્યુ તલાટીને બચાવવા હવાતિયાં મારી સમગ્ર પ્રકરણને ઠંડુ પાડી દેવા ફક્તને ફક્ત રેવન્યુ તલાટીની બદલીથી જ સંતોષ માની લીધો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કચેરીમાં જ પડયા પાથર્યા રહેતા વચેટીયાં મારફતે તલાટીએ કરોડો રૂપિયાની લાંચ લઈ એન્ટ્રી પાડી હોય પરંતુ ખેલ ઊંધો પડતા લાંચમાં લીધેલી રકમ પરત કરવા તખ્તો રચાયો છે, સાથે જ રેવન્યુ તલાટીએ ભ્રષ્ટાચારના નાણાંમાંથી વચેટિયાના નામે ખરીદેલી કિયા કાર પણ જે અરજદારોની એન્ટ્રી રદ્દ કરવામાં આવી છે તેઓ છીનવી ગયાનું સામે આવ્યું છે.
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીને હચમચાવી રહેલા રાવળાહક્કની જમીનની એન્ટ્રી પ્રકરણમાં દિવસે દિવસે ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. માધાપર ગ્રુપના રેવન્યુ તલાટી નિલેશ વાઘેલાએ ઘંટેશ્વરમાં એક બે નહીં પોન દસથી વધુ કિસ્સામાં તદ્દન બોગસ હુકમના આધારે ગામ નમૂના નંબર-2માં સોનાની લગડી જેવી ઘંટેશ્વર ગામની સરકારી જમીનની નોંધ પાડી દેતા કેટલાક કિસ્સામાં તો ગામ નમૂના નંબર 2માં પડેલી નોંધને આધારે વેચાણ દસ્તાવેજ થઈ ચુક્યા છે અને આ વેચાણ દસ્તાવેજની પણ ગામ નમૂના નંબર -2માં નોંધ પાડી દઈ રેવન્યુ તલાટીએ મોટી રકમનો તોડ કરી લીધો હતો. જો કે, પાપ છાપરે ચડીને પોકારે ઉક્તિ મુજબ રેવન્યુ તલાટીનો કાંડ ખુલ્લો પડી જતા જાતે જ આ તમામ નોંધ રીવીઝનમાં લેવા મામલતદારને પત્ર લખી પોતાના બચાવ માટે સુનિયોજિત પ્લાન ઘડી લેવામાં આવ્યો છે.
બીજી તરફ માધાપર ગ્રુપ તલાટી નિલેશ વાઘેલાએ કરેલા આ કાંડમાં તાલુકા મામલતદાર દ્વારા ગામ નમૂના નંબર-2માં પાડી દેવામાં આવેલી નોંધ રદ કરવા માટે નોટિસો કાઢતા જ રાવળાહક્કની જમીન ખરીદનાર લોકો પોતે રૂપિયા આપી છેતરાયા હોવાનો અહેસાસ થતા રેવન્યુ તલાટી અને ગામ નમૂના નંબરમાં 2માં રેવન્યુ રાહે નોંધ પડાવવાની ભૂંડી ભૂમિકા ભજવનાર વચેટિયા ઉપર નાણાં પરત કરવા પ્રેસર લાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ રેવન્યુ તલાટી નિલેશ વાઘેલાએ એન્ટ્રીના આ વહીવટીની રકમમાંથી એક કિયા કાર છોડાવી હોવાનું સામે આવતા છેતરાયેલા અરજદારોએ તલાટીએ વચેટિયાના નામે લીધેલી કિયા કાર છીનવી લીધી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
રેવન્યુ તલાટીને બચાવવા માટે તાલુકા મામલતદાર કચેરીમાં બંધ બારણે મિટિંગ
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીએ મોટો તોડ કરી બોગસ રાવળાહક્કના હુકમને આધારે કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી ઠેરવી દેતી એક બે નહીં પરંતુ થોકબંધ નોંધ ગામ નમૂના નંબર-2માં કરી કૌભાંડ આચર્યું હોવા છતાં આ પ્રકરણમાં સરકારના હિતમાં કામગીરી કરવાને બદલે કચેરીના અધિકારીઓએ તલાટી, વચેટિયા અને નાણાં આપી નોંધ પડાવનાર ત્રણેય પાંખને સાથે બેસાડી બંધ બારણે સમાધાન બેઠક પણ યોજી હતી. આ સમાધાન બેઠકમાં અધિકારીઓએ તમામ પક્ષના મોબાઈલ ફોન પણ કચેરીની બહાર મુકાવી દઈ ગુપ્તતાની કાળજી રાખી હતી તેમ છતાં બંધ બારણે થયેલી આ બેઠકની સ્ફોટક વિગતો ખુલ્લીને બહાર આવી છે અને આ બેઠકમાં જ તલાટીને કિયા કાર પરત દેવાની તેમજ વહીવટના પૈસા પરત આપવાના વાયદા પણ લેવાયા હોવાનું સામે આવ્યું છે.
કલેકટર પાસે ફોજદારી ફરિયાદ નોંધાવવા મંજૂરી મંગાઈ
રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામે રિંગરોડ ટચની જમીન હડપ કરવા માટે બોગસ રાવળાહક્કના હુકમને આધારે પાડવામાં આવેલી નોંધ પ્રકરણમાં તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ફોજદારી ફરિયાદ નોંધાવવા માટે જિલ્લા કલેકટરની મંજૂરી માંગવામાં આવી છે. જો કે, જમીન હડપ કરવાનું જબરું કૌભાંડ હોવા છતાં કલેકટર તંત્ર ફરિયાદ નોંધાવવામાં ઢીલ રાખી રહ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
એન્ટ્રી પડાવનાર તમામને નોટિસ, દસ્તાવેજ નહીં નોંધવા સબરજીસ્ટ્રારને રિપોર્ટ
ઘંટેશ્વરમાં બોગસ રાવળાહક્કના નામે ગામ નમૂના નંબર-2માં પાડવામાં આવેલ નોંધને કારણે સોનાની લગડી જેવી જમીન હડપ કરવા અડધો ડઝન કિસ્સામાં વેચાણ દસ્તાવેજ નોંધાઈ ગયા છે અને તેની પણ બીજી નોંધ પડી ગઈ છે ત્યારે હવે અન્ય આવી નોંધ વાળી જમીનના દસ્તાવેજની નોંધણી ન કરવામાં આવે તે માટે તાલુકા મામલતદારે સબરજીસ્ટ્રારને રિપોર્ટ કરવાની સાથે બોગસ નોંધ પડાવી લેનારા તમામને નોટિસ ફટકારી હોવાની મામલતદાર કાર્તિક મકવાણાએ જણાવ્યું હતું.