રાજકોટ : જામનગર રોડ પર ત્રણ મકાનના તાળા તૂટયા : દોઢ લાખની મતા ચોરાઇ
રાજકોટમાં જામનગર રોડ પર 25 વારીયા કવાર્ટર વિસ્તારમાં આવેલા ત્રણ મકાનોમાં બે તસ્કરો ત્રાટકયા હતા.અને ચોરીને અંજામ આપ્યો હતો.જેમાં બે મકનોમાંથી તસ્કરોને કશું હાથે લાગ્યું ન હતું પરંતુ એક મકાનમાંથી રોકડ અને સોનું મળી કુલ દોઢ લાખની મતા પર હાથફેરો કરીને નાશી ગયા હતા.
પરિવાર તિથિમાં ગયો ત્યારે તસ્કરોએ મકાને નિશાન બનાવ્યું :
બે મકાનમાંથી કશું હાથ ન લાગ્યું
મળતી માહિતી મુજબ જામનગર રોડ બી.એ.ડાંગર કોલેજની પાછળ મારૂતિનંદન સોસાયટી 25 વારીયા મકાન ક્વાર્ટર નં 534માં રહેતા સંદીપભાઈ રામજીભાઈ નકુમ (ઉ.વ.36,)એ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા.3/5ના બપોરના બે વાગ્યે તેમના કાકા રણછોડ ભાઈની તિથી હોવાથી મકાન બંધ કરી તાળુ મારી શેખપાટ ગયા હતા. અને તા.4/5ના સવારના નવેક વાગ્યે પાછા ઘરે આવતાં જોયું તો ઘરની ડેલીના તાળાનું હૂંક સહિત નકૂંચો તૂટેલો પડ્યો હતો. અને ચોરી થયાનું જણાયું હતું જેથી તેમણે મકાનમાં તપાસતા લોખંડની તિજોરીમાંથી રોકડ રૂ.28 હજાર અને રૂ.51 હજારના ઘરેણાં તસ્કરો ચોરી ગયા હતા.જેથી ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં બે શખ્સો ઘરમાં ઘૂસતા હોવાનું જણાયું હતું. અને આસપાસ તપાસ કરતા તે વિસ્તારમાં રહેતા રોહિતભાઈ પરમાર, દિનેશભાઇ કલાભાઈ નકુમના મકાનમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાંથી તેમને કશું હાથે લાગ્યું ન હતું. જેથી સીસીટીવી ફૂટેજ આધારે પોલીસ આગળની તપાસ હાથધરી છે.