કચરા વચ્ચે રહેતું રાજકોટ !!
સતત ત્રીજા દિવસે કરાયેલી સફાઈમાં વધુ ૪૬૫૦૦ કિલો કચરો નીકળ્યો: જાહેરમાં ગંદકી કરતાં ૪૯ લોકો દંડાયા: અલગ-અલગ વિસ્તારોમાંથી ૧૩.૮૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું
મહાપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં `સાગમટે’ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય લોકોને દિવાળી વહેલી આવી ગયાનું સ્પષ્ટ લાગી રહ્યું છે ! આ બધાની વચ્ચે શહેર આખું જાણે કે કચરા વચ્ચે જ રહેતું હોય તેવી રીતે દરરોજ ટનબંધ કચરો નીકળી રહ્યો છે. ત્રીજા દિવસે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ એમ ત્રણેય ઝોનના મળી ૧૧૦ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરવામાં આવી હતી જ્યાંથી ૪૧૫૦૦ કિલો (૪૧.૫ ટન) કચરો નીકળ્યો હતો. આ ઉપરાંત શહેરની અંદર પ્રવેશવાના તેમજ બહાર નીકળવાના પોઈન્ટ ઉપર કરવામાં આવેલી સફાઈ દરમિયાન ૪૯૦૦ કિલો (૪.૯ ટન) કચરો મળ્યો હતો. આ સફાઈ કાલાવડ રોડ, ગોંડલ રોડ હાઈ-વે, કૂવાડવા રોડ, ભાવનગર રોડ, કોઠારિયા રોડ સહિતના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કરવામાં આવી હતી. જ્યારે અલગ-અલગ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી ફેલાવતાં અને કચરો ફેંકતા ૪૯ લોકોને દંડ ફટકારાયો હતો તો દુકાનોમાં કરાયેલા ચેકિંગ દરમિયાન ૧૩.૮૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તે જપ્ત કરી લેવામાં આવ્યું હતું.