રાજકોટ આઈ.ટી.રિકવરી કરશે: મોટા આંકડામાં ટેક્સ નહી ચૂકવનારાનું “લિસ્ટ” બન્યું
ઇન્વેસ્ટિગેશન વીંગના ફિલ્ડવર્ક સાથે હવે ટેક્સ રિકવરી અધિકારી ‘દંડો’ ફટકારશે:માર્ચ એન્ડિંગ નજીક આવતાંની સાથે આ વખતે અધિકારીઓને કામે લાગી જવા આદેશ
માર્ચ એન્ડીંગ નજીક આવી રહ્યું છે ત્યારે આવકવેરા વિભાગે જુની રિકવરી માટે અધિકારીઓને કામે લાગી જવા માટે આદેશ આપ્યાં છે. છેલ્લા થોડા મહિનાઓથી આવકવેરા વિભાગે રાજકોટ સહિત રાજ્યભરમાં કરચોરોની ખો ભુલાવી તવાઈ ઉતારી છે.
નિર્ધારિત લક્ષ્યાંક પૂરો કરવા માટે એક તરફ દરોડાની કામગીરી શરૂ કરી છે. જ્યારે ઘણાં કરદાતાઓએ મોટી રકમનો ટેક્સ ચૂકવ્યો નથી તેમનું રિજીયનમાંથી લિસ્ટ કાઢવામાં આવ્યું અને આ લાબીલચક યાદી જે તે વોર્ડના અધિકારીઓને સોંપવામાં આવ્યું છે જેને લઈને આવકવેરાની ટીમ ઊંધા માથે કામે લાગી ગઈ છે.
રાજકોટ આવકવેરા વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર હાલમાં રાજકોટ ક્ષેત્રમાં જે કરદાતાઓએ ઇન્કમટેક્સને જૂની ટેક્સ પેટે ચૂકવવાની થતી રકમ હજુ સુધી ચૂકવી નથી અથવા તો અનેક લોકો પાસે ડિમાન્ડ ઉભી છે તેની રીત કઈ રીતે કરવી તેની રણનીતિ ઘડી અધિકારીઓ આ દિશામાં કામ કરી રહ્યા છે.
જાણવા માટે વિગત અનુસાર પ્રથમ વખત રાજકોટ આવકવેરા વિભાગમાં પણ આ પ્રકારે રિકવરીની ઉઘરાણી કરવા માટે અધિકારીઓને નિમણૂક કરવામાં આવ્યા હોય અને તેમને આ કામ સોંપવામાં આવતા અમુક અધિકારીઓના નાકના ટેરવા પણ ચડી ગયા છે.ટેક્સ ટાર્ગેટ સુધી પહોંચવા ફિલ્ડ વર્કની સાથે હોમવર્ક પણ આપવામાં આવ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.