36.1 ડિગ્રી ! સમગ્ર રાજ્યમાં રાજકોટ હોટ…હોટ…
ભાદરવો ધગધગી ઉઠયો : કંડલા, ભુજ અને ભાવનગરમાં પણ 35 ડિગ્રીથી વધુ તાપમાન
રાજકોટ : સમગ્ર રાજ્યમાં આકરી ગરમી બાદ ભારે વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થયા બાદ ફરી ભાદરવા મહિનામાં આકરા તાપની શરૂઆત થઇ છે, છેલ્લા એકાદ અઠવાડિયાથી મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે ત્યારે ગુરુવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 36.1 ડિગ્રીને આંબી જતા સમગ્ર રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. જો કે, ભાવનગર અને કંડલામાં પણ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો હતો.
ચોમાસાની વિદાયની તૈયારીઓ વચ્ચે ભાદરવાએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કરતા છેલ્લા અઠવાડીયામાં રાજકોટ શહેરમાં મહત્તમ તપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી રહ્યો છે ત્યારે ગુરુવારે શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાતા બપોરના સમયે લોકોને આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો.મહત્વનું છે કે, ચોમાસાની વિદાય વચ્ચે પણ હવામાન વિભાગે આજે રાજકોટમાં છુટાછવાયા સ્થળે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
દરમિયાન ગુરુવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી રહેવાની સાથે અન્ય શહેરોમાં પણ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડ્યો હતો જેમાં ભુજ ન અને કંડલામાં 35.5 ડિગ્રી, ભાવનગરમાં 35.3 ડિગ્રી, ડીસામાં 34.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 34.5 ડિગ્રી અને અમદાવાદમાં 34.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
