રાજકોટને ઠંડીમાં રાહત, અમરેલી-નલિયામાં પારો ગગડયો
રાજકોટમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી : નલિયામાં 7.8 ડિગ્રી
રાજકોટ : રાજ્યમાં શીતલહેરની તીવ્રતામાં ઘટાડો આવતા સૌરાષ્ટ્ર્ર -કચ્છમાં સોમવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. રાજ્યમાં સોમવારે નલીયામાં લઘુતમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતું તો અમરેલીમાં સીઝનમાં પ્રથમ વખત જ લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં પહોંચી જતા તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. જો કે, રાજકોટમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેતા લોકોને ઠંડીમાં રાહત મળી હતી.
હવામાન વિભાગે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી કરી છે, બીજી તરફ રાજ્યમાં સોમવારે ઠંડીમાં રાહત જોવા મળી હતી. સોમવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા સેન્ટરમાં 7.8 ડિગ્રી નોંધાઈ હતી. આ ઉપરાંત અમરેલી 9.6, ભાવનગર 12.2, ભુજ 11.6, પોરબંદર 12, વેરાવળમાં 18.5, ડીસામાં 9.9, અમદાવાદમાં 14, વડોદરા 12.2, સુરતમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટી 32.7 ડિગ્રી નોંધાયું હતું. જો કે, દિવસભર તડકો તપતા એકંદરે ઠંડીમાં શહેરીજનોને રાહત અનુભવાઈ હતી.