રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યા નવા સુકાની
પ્રમુખ પદે પ્રવિણા રંગાણી, ઉપપ્રમુખ પદે રમેશ ડાંગરની વિધિવત વરણી કરાઈ
રાજકોટ જિલ્લા પંચાયતની અઢી વર્ષની બીજી ટર્મ માટે નવા સુકાનીઓની બુધવારે વરણી કરવામાં આવી હતી. પ્રમુખપદ માટે પ્રવિણા રંગાણીને જ્યારે ઉપપ્રમુખ પદ માટે રાજેશ ડાંગરને પક્ષ દ્વારા મેન્ડેટ અપાયો હોય મંગળવારે બંને ફોર્મ ભર્યા હતા અને આજે ચુંટણી યોજાઇ હતી જેમાં બંને બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય જિલ્લા પંચાયત ખાતે નવેસરથી ચુંટણી કરવામાં આવી હતી. જેમાં સામાન્ય સભામાં કુવાડવા બેઠકના પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઇ ડાંગર સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા. આ તકે પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિત જિલ્લા પ્રભારી રાહુલ દવે, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, મહામંત્રી રવિ માંકડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા, પંચાયતના સભ્યો હજાર રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા અને બન્નેને શુભકામનાઓ પાઠવી હતી. તેમ જ જિલ્લાના વિકાસ કાર્યોમાં જ્યાં જરૂર પડે ત્યારે હાજર રહેવાની ખાતરી આપી હતી. જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ જિલ્લાના વિકાસ કાર્યો આગળ વધારી ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
પ્રવિણાબેન રંગાણીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેમણે પ્રમુખપદ માટે તેમના પર વિશ્વાસ મૂકવા બદલ મવડી મંડળનો આભાર માણ્યો હતો અને જિલ્લામાં મહિલા સશક્તિકરણ, કુપોષણ દૂર કરવું તેમજ જિલ્લાના વિકાસ કાર્યોને આગળ વધારવાનું પોતાનું લક્ષ્ય હોવાનું કહ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ રાજેશ ડાંગરે નાના-નાના ગામડાઓને રસ્તાથી જોડવા, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, વીજળીના પ્રશ્નો દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પી.જી. કયાડાને મેન્ડેટ અપાયો હોય આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓના ચેરમેનની સાથોસાથ તેમની પણ વરણી કરવામાં આવશે. નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
