રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ: ૨ વ્યક્તિ, ટિકિટ ૧ ! ભૂલ કોની ?
જામનગર આવેલા બે લોકોના નામ સરખા હોવાને કારણે થયો લોચો’ને મામલો પોલીસમાં
હદ તો ત્યાં થઈ કે એક જ ટિકિટ પર બે લોકો રન-વે સુધી પહોંચી ગયા ત્યાં સુધી કોઈનું ધ્યાન જ ન ગયું !
એર ઈન્ડિયાએ ૧ ટિકિટના બબ્બે બોર્ડિંગ પાસ બનાવી નાખ્યા: છેલ્લી ઘડીએ ભગો ધ્યાન પર આવતાં દોડધામ તો થઈ જ સાથે સાથે ફ્લાઈટ પણ મોડી ઉપડી

સુરક્ષા મામલે હંમેશા સતર્ક-સંવેદનશીલ રહેતાં એરપોર્ટ પર ભાગ્યે જ કોઈ નોંધપાત્ર લોચો જોવા મળતો હોય છે પરંતુ આ લોચો એટલો મોટો હોય છે કે અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ જતા વાર લાગતી નથી ! આવી જ એક મોટી ગરબડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર થવા પામી હતી જ્યાં ૨ વ્યક્તિ વચ્ચે ૧ જ ટિકિટ હોવા છતાં બન્ને રન-વે સુધી પહોંચી ગયા હતા અને ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં જ હતા કે કર્મીના ધ્યાન પર આવી ગયું હતું અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે જામનગરમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા રિલાયન્સના અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સમારોહમાં કેટરર્સ તરીકે દિલ્હીથી અનંત કેટરિંગ નામનું એક ગ્રુપ જામનગર આવ્યું હતું. ૭ માર્ચે પોતાનું કામ પૂર્ણ થઈ જતાં સૌ ૭:૨૦ વાગ્યાની એર ઈન્ડિયાની રાજકોટ-દિલ્હી ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા હતા. જો કે હવે ભગો થવાની શરૂઆત થઈ હતી. ટિકિટ બુક કરાવનારે તમામ કર્મીઓની ટિકિટ બુક કરાવી હતી. જો કે ગ્રુપમાં સુનિલ કુમાર નામની બે વ્યક્તિ હોવાથી મામલો ગૂંચવાયો હતો.
કોન્ટ્રાક્ટરે તમામ કર્મીઓની ટિકિટ બુક કરીને વૉટસએપ ગ્રુપમાં મુકી હતી અને તમામને ટિકિટ ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું પરંતુ તેને જાણે કે ખ્યાલ જ ન હોય તેવી રીતેસુનિલ કુમાર નામની વ્યક્તિની બે ટિકિટ બુક કરાવવાની જગ્યાએ એક જ ટિકિટ બુક કરાવીને વૉટસએપ ગ્રુપમાં મુકી હતી. આ પછી બન્ને સુનિલ કુમારે પોતાની જ ટિકિટ હશે તેવું માનીને ડાઉનલોડ કરી લીધી હતી અને સમયસર એરપોર્ટ પહોંચી ગયા હતા.
હવે અહીંથી એરપોર્ટ સ્ટાફે ભૂલ કરવાનું શરૂ કર્યું હોય તેવી રીતે એક સુનિલ કુમારે પોતાના બોર્ડિંગ પાસથી એરપોર્ટમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ પછી બીજા સુનિલ કુમાર પાસે પણ ટિકિટ હોવાથી તેના નામનો પણ બોર્ડિંગ પાસ ઈશ્યુ થઈ ગયો હતો અને તેને પણ એન્ટ્રી મળી ગઈ હતી. જો કે ફ્લાઈટ મેન્યુફેસ્ટમાં ચેક કરવામાં આવતાં ટિકિટ એક જ સુનિલ કુમારની હોવાનું ધ્યાન પર આવતા એક જાગૃત કર્મીએ તાત્કાલિક દોટ મુકી હતી. આ બધું બન્યું તે પહેલાં બન્ને સુનિલ કુમાર રન-વે સુધી પહોંચી ગયા હોવાથી બન્નેને અટકાવાયા હતા.
ત્યારબાદ તપાસ કરાતાં જે સુનિલ કુમારની ટિકિટ બુક થઈ હતી તેને ફ્લાઈટમાં જવા દેવાયો હતો અને બીજા સુનિલ કુમારને એરપોર્ટમાં લાવીને એરપોર્ટ પોલીસ મથકને જાણ કરવામાં આવતાં એએસઆઈ ત્યાં દોડી ગયા હતા અને સુનિલ કુમારની પૂછપરછ કરી તેનું નિવેદન લેવામાં આવ્યું હતું.
આમ પહેલાં ટિકિટ બુક કરાવનાર કોન્ટ્રાક્ટર અને ત્યારપછી એરપોર્ટ ઓથોરિટીની ભૂલને કારણે એક જ ટિકિટ પર બબ્બે મુસાફર છેક ફ્લાઈટ સુધી પહોંચી ગયા હતા જે ઘટના ખરેખર ગંભીર હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
પોલીસ સમક્ષ સુનિલ કુમારે શું નિવેદન આપ્યું ?
એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક સ્ટાફે દોડી જઈ સુનિલ કુમારની અટકાયત કરી તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અહીં તેનું નિવેદન નોંધવામાં આવતાં તેણે કહ્યું હતું કે ગ્રુપમાં ટિકિટ મુકાયેલી હતી અને તેમાં સુનિલ કુમાર નામ હોવાથી એ ટિકિટ મારી જ હશે તેવું માનીને હું ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ એરપોર્ટ પહોંચી ગયો હતો અને ત્યાંથી મશીનમાં ટિકિટ સ્કેન કરીને પોતાનો બોર્ડિંગ પાસ મેળવી લીધો હતો. આ ભૂલ તેનાથી જાણીજોઈને ન થઈ હોવાનો જવાબ આપતાં તેને જવા દેવાયો હતો.
ભૂલ શોધી કાર્યવાહી કરવા રિપોર્ટ મંગાવતાં એરપોર્ટ ડાયરેક્ટર
ગંભીર પ્રકારની કહી શકાય તેવી આ ભૂલ સમયસર પકડાઈ જતાં મોટો ભગો થતો તો અટક્યો હતો. જો કે આ ભૂલ પાછળ જવાબદારોની જવાબદારી ફિક્સ કરી તેમની સામે સસ્પેન્શન સહિતના પગલાં તાત્કાલિક લેવા માટે ઘટના અંગેનો રિપોર્ટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે મંગાવ્યો હોવાનું જાણવા મળે છે.
આ જ ફ્લાઈટમાં પુરુષોત્તમ રૂપાલા પણ જઈ રહ્યા’તા, ૪૦ મિનિટ રાહ જોવી પડી
જાણવા મળ્યા પ્રમાણે ૭ માર્ચે સાંજે ૭:૨૦ વાગ્યાથી દિલ્હીની ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એક મહત્ત્વની મિટિંગ માટે દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે એ જ ફ્લાઈટમાં એક નામની બબ્બે વ્યક્તિ જઈ રહી હોવાનું ધ્યાને આવી જતાં ફ્લાઈટ ૪૦ મિનિટ મોડી ઉપડી હતી.