રાજકોટ CP બ્રજેશ ઝા સહિત ૧૧ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ મેડલ
જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા, કચ્છ-ભૂજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, જામનગર એસપી કચેરીના એએસઆઈ હિરેન વરણવા સહિતની પસંદગી
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિત ૧૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવતાં પોલીસ બેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. પોલીસ કમિશનર ઝા તેમજ ગાંધીનગર પોલીસભવનના ડીવાયએસપી દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના મેડલ તો અન્ય ૯ અધિકારીઓને પ્રશંસનીય સેવાના પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
પ્રશંસનીય સેવા બદલ એવોર્ડ મેળવનારા અધિકારીઓ-કર્મચારીઓમાં જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા, કચ્છ-ભૂજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, રાજ્ય અનાર્મ્ડ પોલીસ દળ જૂથ-૧૫ કચેરી-મહેસાણાના હથિયાર ડીવાયએસપી અશોકકુમાર રામજીભાઈ પાંડોર, રાજ્ય અનાર્મ્ડ પોલીસ દળ જૂથ-૧૮ની કચેરી-નર્મદાના હથિયારી ડીવાયએસપી દેવદાસ ભીખાભાઈ બારડ, એટીએસ-અમદાવાદના બિનહથિયારી પીએસઆઈ બાબુભાઈ જેઠાભાઈ પટેલ, એસપી કચેરી-જામનગરના હથિયારી એએસઆઈ હિરેનકુમાર બાબુલાલ વરણવા, પોલીસ કમિશનર કચેરી-અમદાવાદના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હેમાંગકુમાર મહેશકુમાર મોદી, અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી (ઈન્ટે) ગુજરાત રાજ્ય ગાંધીનગર (વડોદરા રીજીયન)ના એઆઈઓ મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી અને એસપી કચેરી-ગાંધીનગરના હથિયારી કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવનો સમાવેશ થાય છે. મેડલ મેળવનારા તમામ અધિકારી-કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા હતા.