આજે રાજકોટ કોર્પોરેશનનું બેજટ, નવી યોજનાઓનો પટારો ખુલશે
બેજટનું કદ 3000 કરોડની આસપાસ રહેવાની શક્યતા : મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા વેરા વધારો સુચવશે પરંતુ ચૂંટણીનું વર્ષ હોય વેરા વધારો લાગુ થવા સામે પ્રશ્નાર્થ
ટીઆરપી અગ્નિકાંડ બાદ હલબલી ગયેલા રાજકોટ કોર્પોરેશનમાં નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની નિમણુંક થયા બાદ આજે તેઓ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જો કે, નવા બજેટમાં નવી યોજનાઓનો પટારો ખુલવાની સાથે ખર્ચને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશ્નર પાણી, મિલ્કત, વાહન વેરામાં વધારો સૂચવે તેવી શકયતા છે. જો કે, ચૂંટણીનું વર્ષ હોય શાસકો કરબોજ ફગાવે તે પણ નિશ્ચિત છે ત્યારે આજે સવારે 10 વાગ્યે કમિશ્નર સુમેરા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને બજેટ સુપ્રત કરશે.
રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તીવ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગત વર્ષે રજુઆ થયેલા 2817.81 કરોડના બજેટ સામે વર્ષ 2025-26 માટે મ્યુનિસિપલ કમિશનર 3000 કરોડનું બજેટ રજૂ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. ગત વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકાની આવકમાં મોટો વધારો થયો નથી સાથે જ વેરા વસુલાત માટે પણ છેલ્લી ઘડીએ જપ્તી અને સીલિંગ સહિતની કાર્યવાહી કરવી પડી હોય નવા નાણાકીય વર્ષના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મિલ્કત અને પાણી વેરા સહિતના ચાર્જમાં વધારો સૂચવવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. નોંધનીય છે કે, મહાપાલિકાએ ચાલુ વર્ષમાં જ બોન્ડ બહાર પાડીને મૂડી ઉભી કરવા પ્રયત્ન કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં રાજકોટ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી ચૂંટણીના આ વર્ષમાં ભાજપ શાસકો લગભગ વેરા વધારો મંજુર નહીં કરે સાથે જ રાજકોટના મતદારોને આકર્ષવા માટે નવી નવી સુવિધા અને યોજનાઓ પણ ગત વર્ષની જેમ જ ઉમેરો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે, ચૂંટણી વર્ષ જોતા મ્યુનિ.કમિશ્નરનું હળવું અને આકર્ષક બજેટ રજૂ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.