રાજકોટ શહેરને ગોબરું કરનારાની ખેર નથી રૂા.૨૫,૦૦૦ સુધીનો દંડ!
સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલી પછડાટની ઇફેક્ટ
દંડમાં વધારો કરવાનું સ્ટેન્ડિંગ કમિટીને સૂચનકરતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ
ત્રણેય ઝોન માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરાશે જે માત્રને માત્ર કચરો ફેંકનારાને જ પકડશે

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ૭માંથી છેક ૨૯મા ક્રમે ધકેલાઈ જતાં તંત્રની બેદરકારી' ઉડીને આંખે વળગી હતી. દરરોજ સફાઈ કરવા છતાં શહેરમાં ગંદકી ઘટવાનું નામ લઈ રહી ન હોય આખરે મ્યુનિ.કમિશનર દ્વારા આ દિશામાં
દંડરૂપી’ બ્રહ્માસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. એકંદરે હવેથી શહેરમાં ગંદકી ફેલાવનારા લોકો પાસેથી ૨૦૦થી લઈ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે તેવું સુચન મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવતાં ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવાઈ જશે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે શહેરમાં ગંદકી ફેલાવવા બદલ દંડની રકમ અત્યંત નજીવી હોવાથી લોકો ઉપર દંડ વસૂલાતની કોઈ જ અસર જોવા મળી રહી ન હોવાથી સ્વચ્છતાનું નક્કર પરિણામ મળતું ન્હોતું. આ મુદ્દાને ધ્યાનમાં રાખી દંડમાં વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો જાહેરમાં કચરો ફેંકતા, ગંદકી ફેલાવતાં
લોકોને પકડવા માટે ત્રણેય ઝોન માટે એક-એક ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવશે જે માત્રને માત્ર કચરો ફેંકનારાને પકડી પાડી તેની પાસેથી દંડ વસૂલવાનું જ કામ કરશે.
દંડ વિશે મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધી ઘર કે ઓફિસમાં કચરાપેટી ન હોવાનું પકડાય તો ૫૦ રૂપિયા દંડ લેવાતો હતો જે હવે ૨૦૦ કરવાનું સુચન કરાયું છે. આવી જ રીતે હોટેલ-રેસ્ટોરન્ટમાં ડસ્સબિન ન હોય તો તેની પાસેથી પણ ૫૦ રૂપિયા વસૂલાતા હતા જે ૧૦૦૦ કરવા સુચવાયું છે. આવી જ રીતે દવાખાના, હોસ્પિટલ કે ડિસ્પેન્સરી જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરે તો તેની પાસેથી ૧૦,૦૦૦નો દંડ લેવાતો હતો જેમાં ફેરફાર કરી હવેથી પહેલી વખત પકડાય તો ૧૫,૦૦૦, બીજી વખત પકડાય તો ૨૦,૦૦૦ અને ત્રીજી વખત પકડાય તો ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવાની જરૂરિયાત લાગી રહી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી વહેંચી દેવાઈ
મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનું તમામ કામ એક જ અધિકારીના હાથમાં રહેતું હોવાને કારણે તેની અસર જોવા મળતી હતી એટલા માટે જ બજેટમાં આ શાખાની કામગીરીને વહેંચી દેવાઈ છે. હવેથી એક ટીમ માત્રને માત્ર કચરો પકડનારા લોકોને પકડશે, બીજી ટીમ કચરાનું એકત્રીકરણ કરવાનું અને ત્રીજી ટીમ સ્વચ્છતા સર્વેક્ષણનું કામ જ સંભાળશે.
ફ્લાઈંગ સ્કવોડના દર સપ્તાહે ઝોન બદલાશે: સારી કામગીરી કરનારને મળશે ઈનામ
કચરો ફેંકનારા લોકોને પકડવા માટે ત્રણ ફ્લાઈંગ સ્કવોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ત્રણ ટીમને અલગ-અલગ ઝોનની જવાબદારી સોંપાશે પરંતુ એક જ ટીમ કાયમી એક જ ઝોનમાં કાર્યરત રહે તો `લાગવગ’ લગાવવા સહિતના પ્રશ્નો ન ઉદ્ભવે તે માટે ત્રણેય ટીમનો ઝોન દર સપ્તાહે બદલી નાખવામાં આવશે. આ ઉપરાંત સારી કામગીરી કરનાર ટીમને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ અપાશે.
દંડમાં કેટલો વધારો કરવાની દરખાસ્ત?
ઘર-ઓફિસમાં કચરા પેટી ન હોય તો રૂા.૨૦૦ (અત્યાર સુધી ૫૦ લેવાતા)
હોટેલ-રેસ્ટોરન્ટમાં કચરા પેટી ન હોય તો રૂા.૧૦૦૦
બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં-ટીપરવાનમાં નિકાલ રૂા.૧૫,૦૦૦, રૂા.૨૦,૦૦૦, રૂા.૨૫,૦૦૦ (અત્યાર સુધી ૧૦,૦૦૦ લેવાતા)
ઘરના એંઠવાડનો નિકાલ રૂા.૧૦૦૦, રૂા.૧૫૦૦, રૂા.૨૦૦૦ (અત્યાર સુધી ૨૦૦ લેવાતા)
હોટેલ-પાર્ટીપ્લોટ દ્વારા એંઠવાડનો નિકાલ રૂા.૩૦૦૦, રૂા.૬૦૦૦, રૂા. ૧૦,૦૦૦
પાનની પીચકારી મારનારા લોકો રૂા.૫૦૦ (અત્યાર સુધી ૨૫૦ લેવાતા)
જાહેરમાં કચરો સળગાવે તો રૂા.૫૦૦ (મનપાનો કર્મી હશે તો તપાસ, એજન્સીનો હશે તો છૂટો કરાશે)
ક્નસ્ટ્રક્શન વેસ્ટનો જાહેરમાં નિકાલ રૂા.૫,૦૦૦, રૂા.૧૦,૦૦૦, રૂા.૧૫,૦૦૦