રાજકોટ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કરેલા આપઘાત કેસમાં બે શખ્સોના આગોતરા જામીન અરજી મંજૂર
શહેરમાં રેસ્કોર્સ બગીચામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે વીડિયો બનાવી ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.આ કેસમાં સંડાવાયેલા આરોપી સિદ્ધરાજસિંહ જાડેજા અને ભીખુ બાલાસરાએ ધરપકડથી બચવા માટે કરેલ આગોતરા જામીન અરજી કોર્ટે મંજૂર કરી હતી.
આ કેસની હકિકત મુજબ, શહેરમાં રહેતા અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરીયા નામના યુવાને રેસકોર્સ બગીચામાં આવેલા શૌચાલય પાસે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું આ બનાવમાં મૃતક અલ્પેશના ભાઈ અરૂણભાઇ કાનજીભાઈ સાકરીયા એ સુસાઇડ નોટ તેમજ મૃતક દ્વારા બનાવામાં આવેલ વિડ્યોના આધારે જામનગર રોડ પર રહેતા સિદ્ધરાજસિંહ કિશોરસિંહ જાડેજા અને ભીખુભાઈ શાર્દુલભાઈ બાલાસરા સહિત 10 વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભરી લીધાનું પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ધરપકડની દેહશતથી સિધ્ધરાજસિંહ જાડેજા અને ભીખુ ભાઈ બાલાસરા સહિત બંને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જામીન અરજી ચાલવા ઉપર આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષની દલીલો અને રજૂ રાખેલા કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલો હતો. આરોપીઓ વતી એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા અને લીગલ આસિ. તરીકે જયદિપ ગઢીયા રોકાયેલા હતા.