રાજકોટ : બહિષ્કાર વચ્ચે લોકમેળામાં રાઈડ્સનું કોકડું હજુ ગૂંચવાયેલું
ફાઉન્ડેશન, બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ, એન.ડી.ટી. રિપોર્ટ, સહિતના પ્રશ્ને આજે સાંજે કલેકટર સાથે બેઠક બાદ નિર્ણય
રાજકોટ : રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાતા પરંપરાગત લોકમેળા આડે હવે માત્ર 18 દિવસ જ રહ્યા હોવા છતાં રાઇડ્સ માટે પોલીસ કમિશનરની એસઓપી તેમજ ફાઉન્ડેશન, બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ, એન.ડી.ટી. રિપોર્ટ સહિતના કડક નિયમોમાં છૂટછાટની માંગ સાથે રાઇડ્સ સંચાલકો મક્કમ બનીને સોમવારે પણ હરરાજીનો બહિષ્કાર કરતા હવે આજે સાંજે જિલ્લા કલેકટરે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક કરી નિર્ણય કરનાર હોવાનું જાણવા મળે છે.
આગામી તા.24થી 28 ઓગસ્ટના રોજ શહેરના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર લોકમેળા આડે હવે 18 દિવસ જ બાકી રહ્યા હોવા છતાં રાઇડ્સ સંચાલકોના કારણે લોકમેળામાં યાંત્રિક સહિતના પ્લોટની હરરાજી પ્રક્રિયા થઇ શકી ન હતી. ગત શનિવારે ડ્રો બાદ હરરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવતા જ રાઈડ્સ સંચાલકોએ સરકારની કડક એસઓપી માન્ય ન હોવાનું જણાવી આકરા નિયમોમાં છુટછાટ આપવાની માંગણી દોહરાવી હરરાજીનો બહિષ્કાર કર્યો હતો જે બાદ પ્રાંત-1 અધિકારી ડો. ચાંદનીબેન પરમાર દ્વારા સોમવારે ફરી બપોરના 12 કલાકે રાઈડ્સ સંચાલકોને હરરાજી માટે બોલાવ્યા હતા પરંતુ નિયમોમાં છૂટછાટ આપવાની માંગ સાથે રાઇડ્સ સંચાલકોએ હરરાજીનો બહિષ્કાર કરતા આરાઇડ્સના પ્લોટ, ખાણીપીણી અને આઈસ્ક્રીમ ચોકઠાની હરરાજી પણ થઇ શકી ન હતી.
બીજી તરફ બબ્બે વખત હરરાજી પ્રક્રિયાનો બહિષ્કાર થતા સોમવારે સાંજે સીટી પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમારે સમગ્ર સ્થિતિ અંગે લોકમેળા સમિતિ અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર સાથ બેઠક યોજી હતી સાથે જ સોમવારે સાંજે રાઇડ્સ સંચાલકો પણ કલેકટરને રજુઆત માટે દોડી ગયા હતા જે બાદ આજે સાંજે જિલ્લા કલેકટરે તમામ રાઇડ્સ સંચાલકોની બેઠક યોજી હોવાનું જાણવા મળે છે.રાઇડ્સ સંચાલકો દ્વારા બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ રાખવા દેવાની મંજૂરી આપવા તેમજ ફાઉન્ડેશન એનડીટી રીપોર્ટ જીએસટી અને ટીકીટના દરમાં વધારો સહિતની માંગણી ફરી દોહરાવી હતી.