કાલથી રાજ્યમાં ફરી માવઠાની આગાહી
દાહોદ અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન ખાતાએ તા. ૧૩થી ૧૬ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જો કે આ આગાહી પૂર્વે આજે જ દાહોદ અને બનાસકાંઠામાં અંબાજી ખાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને હળવા અમી છાંટણા પણ થયા હતા.
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેમ પણ જણાવ્યું છે.
હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે.
14 અને 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.