રેલવે મનપાને ગણકારતું જ નથી: હવે કોર્ટમાં લઈ જવાશે !
બાકીવેરો ચૂકતે કરવા કોર્ટકેસ કરતાં રેલવેએ ૩૦માંથી ૧૭ કરોડ ભરવા તૈયારી દર્શાવી પણ હજુ સુધી ફદીયું’ય જમા ન કરાવ્યું
ક્નટેમ્પ્ટ ઑફ કોર્ટ કરવા મનપાની તૈયારી: યુનિ.એ વેરો ભરપાઈ કરવા સરકાર પાસે માંગી ગ્રાન્ટ
૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં મહાપાલિકાની વેરા આવકનો ૪૧૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની સામે હજુ સુધી ૩૨૮ કરોડનો જ વેરો જમા થયો છે. હજુ નવું નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે ત્રણ કરતા વધુ મહિનાનો સમય બાકી રહ્યો છે પરંતુ તે પહેલાં આખા શહેરમાં ટેક્સ બ્રાન્ચ ફરી વળી હોય ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ૮૨ કરોડની ઘટ પૂર્ણ કરવા માટે મોટા બાકીદારો પાસેથી વસૂલાત જરૂરી બની ગઈ છે. રેલવે પાસે મહાપાલિકા વેરા પેટે ૩૦ કરોડ રૂપિયા માંગે છે પરંતુ રેલવે જાણે કે મહાપાલિકાને ગણકારતું જ ન હોય તેવી રીતે ફદીયું પણ જમા કરાવતું ન હોય હવે આખરે કોર્ટનું શરણું લેવા તૈયારી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેલવે દ્વારા વેરા પેટે એક રૂપિયો પણ જમા કરાવાતો ન હોય મહાપાલિકાએ આ મુદ્દે કોર્ટના દ્વાર ખટખટવતાં કોર્ટે મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેના કારણે રેલવે દ્વારા ૩૦માંથી ૧૭ કરોડનો વેરો ભરપાઈ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જો કે આ ૧૭ કરોડમાંથી હજુ સુધી કશું જ જમા ન કરાવ્યું હોવાને કારણે મહાપાલિકા રેલવે સામે કોર્ટ ઑફ ક્નટેમ્પ્ટ મતલબ કે કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ફરી રેલવેને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી લેવામાં આવી છે.
બીજી બાજુ યુનિવર્સિટી પાસે પણ મહાપાલિકા વેરા પેટે કરોડો રૂપિયા માંગતી હોય તેની ઉઘરાણી શરૂ કરાતાં જ યુનિ. દ્વારા વેરો ભરપાઈ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.