સરકારને ચૂનો ચોપડનાર ૧૫ બોગસ પેઢીઓ ઉપર દરોડા
જેલની હવા ખાઈ રહેલા પત્રકાર મહેશ લાંગા આણી ટોળકીનું કારસ્તાન
રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, ગાંધીનગરમાં ઈઓડબલ્યુ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીની ૧૪ ટીમો ત્રાટકી
બનાવટી પેઢીઓ થકી જીએસટીની ૬૧.૩૮ લાખની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાઈ
૧૨ લોકો સકંજામાં: મહેશનો જેલમાંથી કબજો લેશે પોલીસ: સેન્ટ્રલ જીએસટી વિભાગની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો ગુનો
આખા ગુજરાતમાં જીએસટી કૌભાંડ આચરવા માટે કુખ્યાત બની ગયેલો પત્રકાર મહેશ લાંગા અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈઓડબલ્યુ), ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મહેશ લાંગા દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, ગાંધીનગર સહિતના શહેરોમાં ઉભી કરાયેલી ૧૫ બોગસ પેઢી પર દરોડા પાડી ૧૨ લોકોને સકંજામાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટોળકી દ્વારા બોગસ પેઢીઓ બનાવીને સરકારને ૬૧.૩૮ લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનો ભાંડાફોડ થતાં ટૂંક સમયમાં જ જેલમાંથી મહેશ લાંગાનો કબજો લેવામાં આવશે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મહેશ લાંગા દ્વારા અમદાવાદમાં બી.એ.એન્ટરપ્રાઈઝ નામથી બોગસ પેઢી શરૂ કરવામાં આવ્યા બાદ રાજકોટના ભગવતીપરા મેઈન રોડ પર ભૂમિ પ્રસાદ કારખાના પાસે પરમાર એન્ટરપ્રાઈઝ નામે બોગસ પેઢી શરૂ કરાઈ હતી. જો કે આ પેઢી કોના દ્વારા શરૂ કરાઈ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
બીજી બાજુ સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ રામચંદ્રસિંઘે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પરમાર એન્ટરપ્રાઈઝ નામે પેઢી શરૂ કરનાર શખ્સ દ્વારા એસ.એન.કે.સ્કૂલ પાછળ દર્શિત કોમ્પલેક્સમાં ઓફિસ નં.૨માં યશ ડેવલોપર (નીરવ સુરાણી), કોટડાસાંગાણીના ગોકુલ ચોક પાસે મફતિયાપરામાં ઈકરા એન્ટરપ્રાઈઝ, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રઘુવીર એપાર્ટમેન્ટમાં સીવીલપ્લસ એન્જિનિયરિંગ, કોટડાસાંગાણીના પડવલા ગામે આરએસ ૧૫૧ પ્લોટ નં.૧માં ધનશ્રી મેટલ, અમદાવાદના વીભૂસા રોડ પર નંદવિહાર રેસિડેન્સી-૬માં કબીલ એન્કલેવ પાસે ડી.એ.એન્ટરપ્રાઈઝ, વેરાવળ ગામે માધવ ટ્રાન્સપોર્ટની પાછળ આર્યન એસોસિએટ, સુરતના કામરેજ-સરથાણા રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં જ્યોતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભાવનગરના પરિમલ રોડ પર ત્રીજા માળે મેરીડિયન સ્કવેર-૩૦૭માં અર્હામ સ્ટીલ, ગાંધીનગરની ઈલેક એસ્ટેટ જીઆઈડીસીમાં રિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોઠારિયા રોડ પર સરદાર ગૌશાળા પાસે બાલાજી એમ્સ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આશાપુરા ટે્રડિંગ (ભૈરવસિંહ રાજપૂત), રતનપર ગામે સ્વાતિ પાર્ક, સીએનજી પંપ પાસે શિવ મિલન પ્લાસ્ટિક તેમજ ગ્લોબટ્રા ઈમ્પેક્સ, મહેસાણાના કડીમાં મા દૂર્ગા સ્ટીલ શુભલાભ એસ્ટેટ, જૂનાગઢના જોષીપુરામાં રહેણાક મકાનમાં મારૂતિનંદન ક્નસ્ટ્રક્શન અને જામનગરના મોટી ખાવડી હાઈસ્કૂલ વિસ્તારમાં લખુબા નાનમા જાડેજા દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરી બોગસ બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારને ૬૧.૩૮,૧૬૮ રૂપિયાનો ધૂંબો મારવામાં આવ્યો છે.
વાસ્તવમાં જીએસટીના ચોપડે ઉપરોક્ત એક પણ કંપની કાર્યરત ન હોવાનું ધ્યાન પર આવતાં વિભાગે જ ફરિયાદી બનાવી ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ સામે ગુના નોંધ્યા છે.
વધુમાં એવો પણ ખુલાસો થયો છે કે જૂન-૨૦૨૩થી ૩૦-૯-૨૦૨૩ દરમિયાન રાજકોટમાં પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ થઈ હતી અને તેના સંચાલક દ્વારા બનાવટી ભાડા કરાર તૈયાર કરી રેસકોર્સ રિંગરોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટીની ઓફિસ સાથે રજૂ કરવામાં આવ્યો હતો.