પુનિત ભજન મંડળ ૪૦ વર્ષથી ઘરે-ઘરે જઈ કરે છે ભજન-કીર્તન
રાજકોટની ચારે દિશામાં વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે
ભજન મંડળમાં વેપારી, વકીલ, ડૉક્ટર પણ છે સભ્ય: એક પણ રૂપિયો લીધા વગર પોતાના વાજિંત્રો સાથે કરે છે ધર્મનો પ્રચાર-પ્રસાર…
રાજકોટમાં એક એવુ ભજન મંડળ છે કે જેના ૨૫ થી ૩૦ સભ્યો છેલ્લા ૪૦ વર્ષથી એક રૂપિયો લીધા વગર શહેરમાં ઘરે-ઘરે જઈ ભજન કરે છે. વિશ્વ કલ્યાણ અને વિશ શાંતિની ભાવના સાથે રામનું નામ લઈને ભજન કરતું આ ભજન મંડળ પોતાના જ સાઉન્ડ સિસ્ટમ અને વાજિત્રો સાથે ભજન-કીર્તન કરે છે.
સૌરાષ્ટ્રમાં ગામડે- ગામડે ભજન મંડળીઓ હોય છે જે મંદિરમાં, ગામના ચોરે માત્ર નિજાનંદ માટે આખી રાત બેસીને ભજન-કીર્તનની રમઝટ બોલાવતા હોય છે અને ભગવાનની ભક્તિમાં સરી પડતાં હોય છે. રાજકોટમાં પણ એક એવું ભજન મંડળ છે કે જે વર્ષોથી ધૂન-ભજન કરે છે. આ અંગે શ્રી પુનિત સદગુરુ ભાન મંડળના જયેશભાઈ નથવાણી કહે છે કે, સંત પૂણિતના ભજન સાથે તેઓ વર્ષ ૧૯૮૪થી જોડાયા હતા અને આજે પણ આ ભજન મંડળ ચાલુ છે. મહિનામાં ૪ થી ૫ વાર લોકોના ઘરે જઈને ભજન કરવામાં આવે છે અને રામનું નામ લેવામાં આવે છે. હર ઘર એક હી નામ જય શ્રી રામ પંક્તિની જેમ આ ભજન મંડળ લોકોના સાર-નરસા પ્રસંગે હરિનું નામ લેવામાં આવે છે.
આ ભજન મંડળમાં ૩૦ જેટલા સભ્ય છે. જેમાં કોઈ વકીલ તો કોઈ વેપારી છે, તો વળી કોઈ ડૉક્ટર તો કોઈ પત્રકાર પણ છે. આ બધા સભ્ય પોતાની રીતે જ આ ભજન મંડળમાં જોડાયેલા છે અને જે વ્યક્તિના ઘરે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યાં નિ:શુલ્ક ભજન ગાવામાં આવે છે. આરતીમાં પણ એક રૂપિયો લેવામાં આવતો નથી. પુનિત ભજન મંડળ પાસે તમામ વાજિત્રો છે. એમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ ભજન માટે બોલાવવામાં આવે છે ત્યારે રામધૂન, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે આ ભજન મંડળ રામધૂન બોલાવે છે અને રામનો પ્રચાર-પ્રસાર કરે છે.
લોકકંઠે ગવાતા ભજનો ભક્તિનો માહોલ ઉભો કરે છે અને સાંભળનારા લોકો પણ ભાવવિભોર બની જાય છે. મંજીરા, તબલા, દોકડના તાલે ગવાતા ભજન લોકોને પણ મંત્રમુગ્ધ કરી દે છે. રાજકોટ શહેરની ચારેય દિશાઓમાં આ ભજન મંડળ ભજન કરી ચક્યું છે. મહત્વનું છે કે, આજની યુવાપેઢીના કેટલાક યુવાઓ વેસ્ટર્ન કલ્ચર તરફ વળ્યા છે અને ડીજેના તાલે યોજાતી પાર્ટીઓમાં જાય છે ત્યારે જો સપ્તાહમાં ક્યારેક આવા ભજન મંડળમાં પણ જાય તો આપણી સંસ્કૃતિ, વિરાસતની નજીક પહોંચી શકે છે અને આપણી પરંપરા જાણી શકે છે.
જાણો પુનિત મહારાજ કોણ હતા?
પુનિત મહારાજનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મેના રોજ વિક્રમ સંવત ૧૯૬૪ની વૈશાખ વદ બીજના દિવસે ભાઇશંકરભાઇ અને લલિતાબેનના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. નાનપણથી તેઓ માટલાની બે ઠીકરીઓ વગાડીને કીર્તન કરતાં. રામનામનું રસાયણ ભવ રોગને હરે છે. તેવા વાકયે ક્ષયરોગથી નિરાશ બાલકૃષ્ણનાં જીવનમાં પરિવર્તન આણ્યું. રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું. ભજનનો પુનિત મહારાજે રામના ગુણોનું વર્ણન કરવાં રામાયણ રચવાનો નિર્ણય કર્યો. જે પૂર્ણ થયે ડાકોર રાજા રણછોડ રાય સમક્ષ નવ દિવસ વાંચન કરી સાંભળવ્યું. ત્યારબાદ ભજન શરૂ કર્યા. તેઓને ભાખરીદાન અને નેત્રયજ્ઞ અભિયાનના પ્રણેતા પણ કહેવામાં આવે છે.
લોકોના સારા-નરસા પ્રસંગમાં ભજન મંડળને બોલાવાય છે
પુનિત ભજન મંડળના સંચાલક જયેશભાઈએ જણાવ્યું હતું કે, લોકો પોતાને ત્યાં સારા-નરસા પ્રસંગો જેમાં વર્ષગાંઠ, વાર્ષિક તિથી વગેરેમાં ધૂન માટે બોલાવે છે અને ભજન-કીર્તન કરે છે. અમે મહિનામાં ૪ થી ૫ લોકોના ઘરે જાઈએ છીએ અને અમારાજા વાજિત્રો સાથે ધૂન-ભજન કરી છીએ.