ટેક્સ નહીં ભરનાર વધુ 9 અસામીઓની મિલ્કત સીલ
રાજકોટ મહાનગર પાલિકાની વસૂલી ઝુંબેશમાં 8 મિલ્કતોને જપ્તી નોટિસ : વધુ 32 લાખની આવક
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતા જ વેરા વસુલાત ઝુંબેશને વધુ તેજ બનાવી જપ્તી અને સીલિંગ કાર્યવાહી શરૂ કરી છે જે અન્વયે ટેક્સ શાખાની ટીમોએ ગુરુવારે રાજકોટ શહેરની વધુ 9 મિલ્કતો સીલ કરી દેવાની સાથે 8 મિલ્કત ધારકોને જપ્તીની નોટિસ ફટકારતા બાકી કરદાતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને એક જ દિવસમાં વધુ 32.09 લાખની આવક નોંધાઈ હતી.
રાજકોટ મહાનગર પાલિકાની વેરાવસુલાત શાખા દ્વારા ગુરુવારે વોર્ડ નં-1માં અયોધ્યા ચોકમાં ધ વન વર્લ્ડ નજીક એક્સીસ બેંક ફર્સ્ટ ફ્લોર પર આવેલ શોપ નં બી-૧૦૯ ની સામે સીલની કાર્યવાહી કરતા 86,083ની આવક થઇ હતી જયારે વોર્ડ નં-3માં સાધુવાસવાણી રોડ શિવાલય ચોક પાસે આવેલ આશીર્વાદ સ્કૂલને નોટીસ આપતા 7.30 લાખની રિકવરી થઇ હતી. એ જ રીતે વોર્ડ નં- 4માં ટેકસ વિભાગની ટીમોએ મોરબી રોડ પર હર્ષ આર્કેડમાં “ઈવોલ્યુશન એકેડેમી” શોપ નં-201ને સીલ મારેલ હતી.
જયારે વોર્ડ નં-5માં કુવાડવા રોડ રણછોડનગર-7માં વાય.ડી ફેશન ક્લબ સામે રિકવરી કરતા ચેક આપવામાં આપેલ હતો એ જ રીતે રણછોડનગરમાં શેરી નં-9માં નળ-કનેક્શન કાપવામાં આવતા રૂપિયા 45 હજાર ભરપાઈ કરવામાં આવ્યા હતા. જયારે વોર્ડ નંબર-7માં યાજ્ઞિક રોડ પર આવેલ ‘ ટોપાઝ આર્કેડ ’ થર્ડ ફલોર શોપ નં-2 સીલ કરવા કાર્યવાહી કરતા ચેક આપવામાં આવ્યો હતો. સાથે જ પંચનાથ રોડ પર આવેલ સર્વોતમ એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર શોપ નં-402ને સીલ મારી ગોંડલ રોડ પર પ્રમુખસ્વામી આર્કેડ માલવિયા ચોક વિંગ નં-1 માં સેકન્ડ ફ્લોર પર શોપ નં-1 ની સીલની કાર્યવાહી કરતા 1.04 લાખની રિકવરી કરવામાં આવી હતી તેમજ તેમજ પંચનાથ પ્લોટમાં શેરી નં-15માં મિલ્કત સીલ કરવા કાર્યવાહી કરતા ચેક આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વોર્ડ નંબર-14માં ભક્તિ નગર સોસાયટી, નીલવ સવસરાય સોસાયટી, ભુપેન્દ્ર મેઈન રોડ પર ડીપસી નમકીન/શાહુ ફૂડ, ભાગ્યલક્ષ્મી ઓદ્યોગિક વિસ્તાર, કે.પી. ઓદ્યોગિક વિસ્તાર, આજી રીંગ રોડ શિવ ધારા પાર્ક -2 મેઈન રોડ, વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ પર મહેશ્વર નગર હાઉસીંગ કોલોની વોર્ડ નંબર-18માં 80 ફીટ રીંગ રોડ પર નહેરુનગરમાં આવેલ સરધારનગર-2 અને કોઠારીયા સ્વાતી પાર્કમાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવતા કોર્પોરેશનને કુલ મળી 32.09 લાખની આવક થઇ હતી.