જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિની બેઠક મળી
ચેકડેમ, તળાવ, સહિતના ૨૩ કામો માટે રૂ.૧.૪૧ કરોડની વહીવટી અને ટેન્ડર મંજૂરી કરતાં ઠરાવો કરાયા
રાજકોટ જિલ્લા પંચાયતની ઉત્પાદ સહકાર અને સિંચાઇ સમિતિની ગુરુવારે બેઠક મળી હતી. જેમાં જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં રૂ.૧.૪૧ કરોડના ચેકડેમ, તળાવ, પૂર સંરક્ષણ દીવાલ વગેરેના મરામત્ત માટે તેમજ નવા કામોને વહીવટી મંજૂરી અને ટેન્ડર મંજૂરી ,માટેના ઠરાવો કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન ભાવનાબેન બાંભરોલીયાના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાનેથી ચકેકડેમ, તળાવ, પૂર સંરક્ષણ દીવાલ જેવા કામોના મરામત અને નવા કામોને વહીવટી મંજૂરી તથા ટેન્ડર મંજૂરી કરતાં ઠરાવો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કુલ રૂ.૧.૪૧ કરોડના ૨૩ કામોને વહીવટી મંજૂરી તથા ટેન્ડર મંજૂરી કરતાં ઠરાવો કરાયા હતા.
ઉપરાંત રૂ.૭.૧૧ કરોડના ૧૮ કામોને વહીવટી મંજૂરી અને ટેન્ડર મંજૂરી માટે કારોબારી સમિતિમાં ભલામણ કરતાં ઠરાવો કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, લોકસભાની ચુંટણીની આચારસંહિતાને કારણે જિલ્લા પંચાયતમાં જુદી-જુદી સમિતિઓની બેઠક મળી નહતી. તેવામાં આચારસંહિતા દૂર થતાં જ સમિતિઓની બેઠક મળવાની સાથે જિલ્લાના વિકાસના કામોને મંજૂરી આપતા ઠરાવો કરવામાં આવી રહ્યા છે.