રાજકોટમાં જનતા વચ્ચેથી જાહેરસભામાં વડાપ્રધાનની એન્ટ્રી ! એસપીજીએ રિહર્સલ કર્યું
નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રેમ્યા મોહન સહિતનો કાફલો રાજકોટમાં, સભાસ્થળનું નિરીક્ષણ કરતા અધિકારીઓ
રાજકોટ : આગામી તા.25ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એઈમ્સના લોકાર્પણ બાદ રાજકોટના જુના એરપોર્ટથી રેષકોર્ષ મેદાન સુધી 800મીટરનો રોડ શો યોજી જાહેરસભાને સંબોધનાર છે ત્યારે રાજકોટમાં નવો જ ચીલો ચાતરી વડાપ્રધાન સીધા જ સ્ટેજ ઉપર જવાને બદલે પબ્લિક એન્ટ્રી ગેઈટથી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા સ્ટેજ સુધી પહોંચનાર હોવાનું જાણવા મળે છે, સાથે જ આજે વડાપ્રધાનના સુરક્ષા કાફલા એસપીજીએ પણ જુના એરપોર્ટ અને સભાસ્થળે રિહર્સલ કર્યું હતું, ઉપરાંત નેશનલ હેલ્થ મિશન ડાયરેક્ટર રેમ્યા મોહન તેમજ રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી સહિતના અધિકારીઓએ પણ સભાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન આગામી તા.25ના રોજ દ્વારકાથી બપોરે ચારેક વાગ્યે પીએમ નરેન્દ્રભાઈ મોદી હેલીકૉપટર મારફતે સીધા જ એઇમ્સ હોસ્પિટલમાં ઉતરાણ કરી એઈમ્સના લોકાર્પણ સાથે 15 મિનિટ સુધી એઇમ્સનું નિરીક્ષણ કરી હેલીકૉપટર મારફતે રાજકોટના જુના એરપોર્ટ ખાતે આવશે જ્યાંથી રેષકોર્ષ મેદાનમાં સભા સ્થળ સુધી અંદાજે 800 મીટર સુધીનો રોડ-શો યોજી સીધા જ પબ્લિક એન્ટ્રી ગેઈટથી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા મુખ્ય સ્ટેજ ઉપર પહોંચનાર હોય સુરક્ષા વ્યવસ્થા મામલે મંગળવારે વડાપ્રધાનના સુરક્ષા કાફલા એસપીજી દ્વારા જુના એરપોર્ટ ઉપરાંત સભાસ્થળે પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર પણ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીમાં વ્યસ્ત બની સતત મીટીંગનો દૌર ચાલી રહ્યો છે જે વચ્ચે સોમવારે સાંજે કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વા ચંદ્રાનું આગમન થયું હતું તેઓએ એઇમ્સની મુલાકાત લીધી હતી સાથે જ મંગળવારે નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટ અને રાજકોટના પૂર્વ કલેકટર રેમ્યા મોહન પણ રાજકોટ આવી પહોંચી એઇમ્સ અને ઝનાના હોસ્પિટલની મુલાકાત લઈ રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી અને અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી સાથે રેસકોર્ષ સભા સ્થળની મુલાકાત લીધી હતી.
વધુમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈ બે અધિક કલેકટર બાદ ચરણસિંહ ગોહિલ, સંદીપ વર્મા, ડો.મેહુલ બરાસરા, સૂરજ સુથાર અને પ્રિયંક ગલચર સહિતના પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફરજ ઉપર હાજર થઇ ગયા છે અને એઇમ્સ તેમજ જાહેરસભાના કાર્યક્રમને લઈ કામગીરી સાંભળી લીધી છે ત્યારે તા.25મીએ બપોરના ચાર વાગ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોનો પ્રારંભ થશે અને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના અંદાજે 5000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી જંગી જનસભાને સંબોધન કરી મોડી સાંજે દિલ્હી રવાના થનાર હોવાનું જાણવા મળે છે.