ભલે પધાર્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બપોરે રાજકોટ આવશે
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાનની ગુજરાતમાં સંભવિત છેલ્લી જાહેરસભા
એઈમ્સ અને જનાના હોસ્પિટલ ખુલ્લી મૂકશે, હજારો કરોડો રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મોદીને આવકારવા રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ છવાયો: નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ સરકીટ હાઉસમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ આવશે અને એઈમ્સ સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને લોકોમાં તેમને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન આજે ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનાવાયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ સીધા એઈમ્સ આવશે અને તેનું ઉદઘાટન કરશે. આ પછી સાંજે રેસકોર્સ મેદાનમાં તેમની જાહેરસભા યોજાશે અને એ પૂર્વે જુના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ-શો પણ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રી રોકાણ રાજકોટમાં હોવાથી તંત્રનું ટેન્શન વધી ગયું છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સને ખુલ્લી મુકશે. આ ઉપરાંત દેશની અન્ય ૬ એઈમ્સનું લોકાર્પણ પણ અહીંથી જ કરવાના છે.
આ ઉપરાંત જનાના હોસ્પિટલ, રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટે્રક સહિતના હજારો કરોડો રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને એવું માનવામાં આવે છે કે ચૂંટણીની તારીખો જાહેર થાય એ પૂર્વે વડાપ્રધાનની આ છેલ્લી જાહેર સભા હશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રેસકોર્સમાં જાહેરસભાને સંબોધન કર્યા પછી તેઓ સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે અને સવારે ૬-૩૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનનાં આ રાત્રી રોકાણને ક્નટીજન્સી સ્ટે ગણાવાઈ રહ્યો છે. સભા પૂરી થાય પછી રાત્રીના સમયે તેમનું હેલીકોપ્ટર હીરાસર એરપોર્ટ પહોચી શકે તેમ નથી અને બાય રોડ પણ વડાપ્રધાનને હીરાસર એરપોર્ટ લઇ જઈ શકાય તેમ નથી એટલે છેલ્લી ઘડીએ પ્લાન બદલાયો છે અને તેમનું રાત્રી રોકાણ રાજકોટમાં નક્કી થયું છે.
રાજકોટમાં રણનીતિ! , સર્કિટ હાઉસમાં રાત્રે રાજનેતાઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક
સૌરાષ્ટ્રભરનાં ભાજપનાં અગ્રણીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના
લોકસભા ચૂંટણી પૂર્વેના સંભવિત છેલ્લા કહી શકાય તેવા ગુજરાતના બે દિવસના પ્રવાસ પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના વહીવટીતંત્ર અને ભાજપની નેતાગીરીને દોડતી કરી દીધી છે. અચાનક જ પીએમ કાર્યાલયથી વડાપ્રધાન મોદી રાજકોટમાં રાત્રી રોકાણ કરશે તેવો કાર્યક્રમ ઉતારતા શનિવારે સવારથી સર્કિટ હાઉસમાં દોડધામ સાથે પીએમના ઉતારો સજ્જ કરવા અધિકારીઓની ફૌજને કામે લગાડવામાં આવી છે સાથે જ અચાનક રાજકોટમાં રાત્રી રોકાણ પાછળ લોકસભા ચૂંટણી માટેનું મંથન પણ કારણભૂત હોવાનું સૂત્રોએ જણાવી રાજકોટ સર્કિટ હાઉસમાં રવિવારે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગર આવી રાત્રી રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા અને ત્યાંથી સીધા જ રાજકોટ એઇમ્સ ખાતે દેશની પાંચ એઈમ્સના લોકાર્પણ બાદ રાજકોટ રેસકોર્ષ ખાતે જાહેરસભાને સંબોધી ૪૮ હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ બાદ સીધા જ દિલ્હી જવા રવાના થનાર હતા પરંતુ શનિવારે ગુજરાતમાં આગમન પૂર્વે જ વડાપ્રધાનના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર સાથે તેઓ રવિવારે રાજકોટમાં રોકાણ કરનાર હોવાનો મેસેજ પીએમઓ કાર્યાલયથી ઉતરતા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર બરાબરનું ધંધે લાગ્યું હતું.
બીજી તરફ વડાપ્રધાન રાજકોટ સર્કિટ હાઉસ ખાતે જ રાત્રી રોકાણ કરનાર હોવાથી શનિવારે સવારથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના કાફલાને સર્કિટ હાઉસ મોરચે ઉતારી રૂમની સજાવટથી લઈ રોશની સુધીના શણગાર સજાવવામાં આવી રહ્યા છે. ટોચના સૂત્રોના માટે વડાપ્રધાનના રાજકોટમાં રાત્રી રોકાણ પાછળ લોકસભા ચૂંટણીની તૈયારી કારણભૂત હોવાનું અને તેઓ સર્કિટ હાઉસ ખાતે ભાજપની સૌરાષ્ટ્રભરની ટોચની નેતાગીરી સાથે બેઠક યોજનાર હોવાનું સૂત્રોએ ઉમેરી સોમવારે વહેલી સવારે વડાપ્રધાન દિલ્હી જવા રવાના થનાર હોવાનું જાણવા મળે છે.