અધૂરા માસે જન્મેલા બાળકને નિષ્ઠુર માતાએ ફેંકી દીધું: હાથ-પગમાં ફ્રેક્ચર
સદ્ભાગ્યે ૧૦૮ પહોંચી જતાં સમયસર સારવાર મળી ગઈ: બાળકની હજુ નાળ પણ તૂટી ન્હોતી !પાપ' છૂપાવવા પગલું ભર્યું હશે કે બીજું કોઈ કારણ ? પોલીસ તપાસનો ધમધમાટ
મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી અક્ષર સોસાયટી પાસેથી એક નવજાત બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. અધૂરા માસે જન્મેલા આ બાળકને નિષ્ઠુર માતાએ જોરથી ફેંક્યું હોવાને કારણે હાથ-પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સદ્ભાગ્યે ૧૦૮ પહોંચી જતાં બાળકને સમયસર સારવાર મળી ગઈ હતી જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. બાળકનું હજુ નાળ પણ તૂટી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે માતાએ પોતાનું પાપ’ છૂપાવવા આ પગલું ભર્યું હશે કે બીજું કોઈ કારણ હશે તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે વહેલી સવારે અક્ષર સોસાયટી પાસે એક બાળક પ્લાસ્ટિકની બેગમાં મળી આવ્યું હતું. આ અંગેની જાણ ૧૦૮ને થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સે પહોંચી જઈને બાળકને સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરી સઘન સારવાર શરૂ કરાઈ હતી. બીજી બાજુ બાળકને બન્ને હાથ અને જમણા પગના હાડકામાં ફ્રેક્ચર હોવાનું ધ્યાન પર આવતાં બાળકને ફેંકવાને કારણે ફ્રેક્ચર થયું છે કે પછી ડિલિવરી દરમિયાન ફ્રેક્ચર થયું છે અથવા તો બીજા કોણ કારણથી આ ઈજા થઈ છે તે કારણ જાણવા પણ મથામણ ચાલી રહી છે.
તબીબોની પ્રાથમિક તપાસ પ્રમાણે આ બાળક ૩૮ સપ્તાહનું હોવાનું લાગી રહ્યું છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
