પ્રિ-સ્કૂલ સંચાલકોની રાજકોટમાં મૌન રેલી
નોંધણીમાં વિસંગતતા દૂર કરો નહીં તો 80 ટકા પ્રિ-સ્કૂલ બંધ થઇ જશે
2 લાખ મહિલાઓ બેરોજગાર બનશે ! પ્લેકાર્ડ સાથે બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી મૌન રેલી યોજાઈ
રાજકોટ : ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલ માટે આકરા નિયમો અમલી બનાવતા રાજ્યભરના પ્રિ-સ્કૂલ સંચાલકો અકળાયા છે અને લાંબા સમયથી દરેક જિલ્લા સ્તરથી લઈ રાજ્યના મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં મુખ્ય ત્રણ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા મંગળવારે રાજ્યના તમામ પ્રિ-સ્કૂલ સંચાલકોએ એક દિવસ શિક્ષણકાર્યથી અળગા રહ્યા હતા અને સાંજે પ્રિ-સ્કૂલ બંધ થશે તો બે લાખ મહિલાઓ બે રોજગાર થશે તે સહિતના પ્લે કાર્ડ સાથે રાજકોટમાં મૌન રેલી યોજવામાં આવી હતી.
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન અને પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન રાજકોટની સંયુક્ત કવાયત થકી પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશન માટે સરકારના નવા આકરા નિયમોના વિરોધ તથા સુધારાના ભાગરૂપે ગુજરાતના તમામ શહેરોમાં મંગળવારે “ગાંધી ચિંધ્યા રહે” એક “મૌન રેલી” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રિ-સ્કૂલ સંચાલક અને સ્ટાફગણ સાથે રહી અલગ -અલગ પ્લે કાર્ડ સાથે બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી મૌન રેલી યોજી પોતાની માંગણી અને અવાજને બુલંદ કર્યો હતો.
રાજકોટ ઝોનના ઝોન કો-ઓર્ડીનેટર ચિરાગ સાકરીયા, હરીશ ચૌહાણ તથા મિલન દોશીએ જણાવ્યું હતું કે, પ્રિ-સ્કૂલ રજીસ્ટ્રેશન માટે સરકાર નવા નિયમો અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશને જે નિયમો અમલી કર્યા છે તેનો અમલ થાય તો ગુજરાત ભરની તમામ પ્રિ-સ્કૂલોમાંથી 80% પ્રિ-સ્કૂલોને બંધ કરવી પડે તેવી સ્થિતિ ઉપર આવીને ઉભેલ છે, બાળકોના એજ્યુકેશન અને સુરક્ષાને લઈને અમે કોઈ બાંધછોડ ઇચ્છતા નથી, પરંતુ અમુક ભેદભાવ ભરેલા જે નિયમો છે, એક તરફી નિયમો છે તેનું પાલન કરવું અઘરું જ નહીં પરંતુ અશક્ય છે, અને એનું પાલન ન થતા મોટાભાગની સ્કૂલોને તાળા લાગી જાય એવી સ્થિતિ ઊભી થયેલ હોવાનું જણાવ્યું હતું.
પ્રિ-સ્કૂલ સંચાલકો દ્વારા નવા નિયમો હળવા કરી રેસીડેન્સીયલ, કોમર્શિશયલ કે એજયુકેશનલ મંજૂરી ધરાવતા બી.યુ. પરમીશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમીશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટીફીકેટને પણ માન્ય રાખવામાં આવે.ઉપરાંત 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઇઝડ ભાડા કરારની મંજુરી આપવામાં આવે તેમજ ટ્રસ્ટ, નોન પ્રોફીટ કંપની,સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કુલની નોંધણી માટે હોવો જોઇએ તેમ જણાવી સરકારને ઉપરોક્ત ત્રણેય માંગણીઓમાં નિયમો હળવા કરવા અંતમાં માંગ કરી હતી.