પ્રદ્યુમન પાર્ક શુક્રવારે રજા નહીં પાળે
દિવાળી પર લોકો મોજથી પાર્કમાં મ્હાલી શકે તે માટે મહાપાલિકાનો નિર્ણય
દિવાળીના સપરમા તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે ચારથી પાંચ દિવસથી રજા હોવાને કારણે લોકો હરવા-ફરવા માટે થનગની રહ્યા છે. શહેરીજનોના હોટફેવરિટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગી મેદની ઉમટી પડવાનો અંદાજ છે ત્યારે મેઈન્ટેનન્સના કામસર દર શુક્રવારે ઝૂને બંધ રાખવામાં આવે છે પરંતુ દિવાળીનો તહેવાર હોવાથી આ શુક્રવારે પણ ઝૂ ચાલું રાખવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તેમજ તહેવારોના દિવસો દરમિયાન ઝૂમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. દર વર્ષે દિવાળી પર અંદાજે ૬૦,૦૦૦ જેટલા લોકો ઝૂમાં મ્હાલ્વા આવતા હોય છે. નિયમિત રીત દર શુક્રવારે ઝૂ બંધ રાખવામાં આવે છે પરંતુ ચાલું વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને તે દિવસે લોકો પાર્કની મુલાકાત લઈ શકે તે માટે તા.૧૭ના શુક્રવારે ઝૂ ખુલ્લું રહેશે તેમ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતનાએ જણાવ્યું છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અત્યારે જુદી જુદી ૬૭ પ્રજાતિના ૫૬૦ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયન સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઈગર, દીપડા, હિમાલયના રીછ, સ્લોથ રીછ, જળ બિલાડી, ચાર પ્રકારના શ્વાનકુળના પ્રાણીઓ, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારના મગર, જુદી જુદી પ્રજાતિના હરણ તેમજ વિવિધ પ્રજાતિના પક્ષીઓ રાખવામાં આવ્યા છે. અહીં પ્રાણી-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.
૧૧ માસ પહેલાં જ જન્મેલા બે સફેદ વાઘ બાળ બનશે આકર્ષણનું કેન્દ્ર
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ૧૧ મહિના પહેલાં બે સફેદ વાઘનો જન્મ થયો હતો. આ વાઘ બાળને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જે જોઈને લોકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન ઝૂની મુલાકાતે આવા લોકો આ બન્ને ખેલતા-કૂદતા વાઘ બાળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.