કાલે સાંજે 6 વાગ્યાથી પ્રચાર-પડઘમ શાંત
રૂપાલાએ દોઢેક માસ સુધી પ્રચાર સાથે વિવાદ પણ સર્જ્યા, ધાનાણીએ ટવેન્ટી ટવેન્ટી જેવી ઇનિંગ રમી
રાજકોટ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.7મીએ રાજકોટ સહિત રાજ્યની 25 બેઠકો ઉપર મતદાન થનાર હોય આવતીકાલે રવિવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર, પડઘમ શાંત પડશે, જો કે, કોણ જીતશે અને કોણ હારશે તે તો 4 જૂને મતગણતરી બાદ નક્કી થશે ત્યારે લોકસભા ચૂંટણીજંગમાં રાજકોટ સંસદીય બેઠક અને રૂપાલા સતત ચર્ચામાં રહ્યા છે, જો કે, રૂપાલાએ દોઢ મહિનો સુધી લગલગાટ પ્રચાર કર્યો છે તો છેલ્લી ઘડીએ પરેશ ધાનાણી રાજકોટના ઉમેદવાર જાહેર થતા પ્રચાર માટે ટવેન્ટી ટવેન્ટી જેવી ઇનિંગ રમવી પડી હતી.
રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ, 1951ની કલમ 126 મુજબ ચૂંટણી મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાના નિયમ મુજબ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલા રાજકીય અગ્રણીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરીઓ, પ્રચાર ફંકશનરીઓ વિગરે કે જેઓ સબંધિત મતવિસ્તારના મતદારો નથી તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે મતદાન પુરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં તે મતવિસ્તારમાં હાજર ન રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
મતદાનના પૂરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં ઉમેદવારો અને રાજકીય પક્ષ ઘેર ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કરી શકાશે પરંતુ ઘેર ઘેર પ્રચાર વખતે એક સાથે વધુમાં વધુ 5 વ્યકિત જઇ શકશે. ઘેર ઘેર પ્રચાર વખતે કાર્યકરો, નેતાઓ, જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલર, પહેરી શકશે પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં. હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહીને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.200/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે. ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-133, ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-9(એ) હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાનું ચૂંટણી અગાઉ જ નામ જાહેર થયું હોય તેઓને રાજકોટમાં પ્રચાર માટે દોઢ માસ જેટલો લાંબો સમય ગાળો મળ્યો હતો જો કે, તેઓએ પ્રચાર દરમિયાન જ ક્ષત્રિયો વિષે કરેલી ટિપ્પણીને પગલે સર્જાયેલ વિવાદ રાજકોટ જ નહીં બલ્કે દેશભરમાં ગાજ્યો છે જયારે સામાપક્ષે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું નામ છેલ્લી ઘડીએ જાહેર થતા તેઓને ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચ જેવો ઝડપી પ્રચાર કરવો પડ્યો છે.
બલ્ક એસએમએસ ઉપર પ્રતિબંધ
મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન-આઈડીયા, સી.એસ.એન.એલ. (સેલ વન), રીલાયન્સ(જીયો), એરટેલ, ટાટા ટેલીકોમ્યુનીકેશન વિગેરે જેવી કંપનીઓ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગૃપ-બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે નહિ કે કરવા દેશે નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગૃપ/બલ્ક એસ.એમ.એસ. મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૦૫/૦૫/૨૦૨૪ થી તા.૦૭/૦૫/૨૦૨૪ સુધી સંપુર્ણ પણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરશે.