જૂની કલેકટર કચેરીમાં વીજળી ગુલ ! દસ્તાવેજ નોંધણી ઠપ્પ
પાવરકાપથી પ્રાંત કચેરીમાં અપીલ બોર્ડ અને ઈ-કેવાયસીને પણ માઠી અસર
રાજકોટ : રાજકોટ શહેરના હોસ્પિટલ ફીડર હેઠળ મંગળવારે મરામત કામગીરીને કારણે સવારથી વીજકાપ લાદવામાં આવતા જૂની કલેકટર કચેરીમાં ત્રણેય પ્રાંત કચેરીઓમાં રેવન્યુ અપીલ બોર્ડની કામગીરી ખોરંભે પડી હતી, સાથે જ ચાર ઝોનલ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અટકી પડવાની સાથે ઈ-કેવાયસીની કામગીરી પણ અટકી પડતા દેકારો બોલી ગયો હતો.
પીજીવીસીએલ રાજકોટ સીટી કચેરી દ્વારા મરામત કામગીરીને કારણે હોસ્પિટલ ફીડર સવારથી બંધ કરી દેવામાં આવતા જૂની કલેકટર કચેરીમાં બેસતી સીટી-1, સીટી-2 અને ગ્રામ્ય પ્રાંત કચેરીમાં રેવન્યુ અપીલ બોર્ડની કામગીરી સમયસર શરૂ થઇ શકી ન હતી, આ ઉપરાંત વીજળી ગુલ થવાથી નોંધણી ભવન કચેરી ખાતે બેસતી રાજકોટ સીટી, અને મોરબી રોડ સહિતની કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી થઇ શકી ન હતી.બીજી તરફ પાવરકાપને કારણે જૂની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠા ઝોનલ કચેરી તેમજ તાલુકા મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી અને રાશનકાર્ડ સુધારાવધારા તેમજ આવકના દાખલા અને કચેરીની રૂટિન કામગીરી ખોરવાઈ ગઈ હતી. બાદમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં વીજ પુરવઠો પૂર્વવત થતા કચેરીઓ ધમધમી હતી.