દિવામાં પાણી નાખો અને દિવડો ઝળહળતો થઈ જશે
દિવાળીના તહેવારો પૂર્વે જ રાજકોટની બજારોમાં રંગબેરંગી લાઈટની સીરીઝનું આકર્ષણ
દિવાળીના તહેવારોમાં ગરીબ હોય કે મધ્યમ વર્ગના પરિવાર, દરેક ઘર રોશનીથી ઝળહળવા લાગે છે. સામાન્ય રીતે અગિયારસથી અમાસ એટલે કે દિવાળી સુધી દરેક મકાનો ઉપર રંગબેરંગી લાઈટની સીરીઝ લગાવેલી જોવા મળે છે. જો કે, આ વખતે રાજકોટની બજારોમાં અવનવી સીરીઝો તેમજ રંગ બદલતા લેમ્પ અને સૌથી વધુ આકર્ષણ જગાવતા દિવડાઓનો ક્રેઝ વધ્યો છે. આ વખતે સેન્સર દિવડાનું આકર્ષણ લોકોમાં વધુ જોવા મળે છે. આ સેન્સર દિવડામાં પાણી નાખો એટલે દિવો આપોઆપ ઝળહળતો થઈ જાય. આ વેરાયટી રાજકોટમાં સૌપ્રથમ વખત આવી હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. સેન્સરવાળા દિવા સાથોસાથ દિવડાની સીરીઝ પણ વધુ વેચાવા લાગી છે. પાંચ મીટરથી માંડીને ૨૦ મીટર સુધીની લાંબી સીરીઝ બજારોમાં ઠલવાઈ છે. જો કે આ વર્ષે ભાવમાં ૫થી ૧૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેમ વેપારી ધવલ આર. સંતોકીએ જણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ લેસર લાઈટ ઉપરાંત વિવિધ કલરના પ્રકાશ ફેલાવતા રંગબેરંગી ગોળા પણ બજારમાં વેચાવા લાગ્યા છે અને તેને ખરીદનાર અનેક લોકો છે. આ લાઈટનો બલ્બ અલગ-અલગ કલરના પ્રકાશ વેરાવે છે અને મોટાભાગે દરેક લોકો આ બલ્બને ખરીદતા હોય છે. બીજી તરફ બજારોમાં લાઈટોવાળી સીરીઝ અલગ-અલગ પ્રકારની જોવા મળી રહી છે જેમાં સીંગલ કલરથી માંડી મલ્ટિકલરની સીરીઝનું વેચાણ વધું હોય છે. સામાન્ય રીતે તહેવારોને ધ્યાનમાં રાખી ઘર આંગણે શુકનવંતી લાઈટની સીરીઝ લગાવવા માંગતા મધ્યમ વર્ગના પરિવારો પાંચ મીટરની નાની સીરીઝ અને તેનો ભાવ ઓછો હોય તેને ધ્યાનમાં રાખીને ખરીદતા હોય છે. જ્યારે શ્રીમંત લોકો ૧૫થી ૨૦ મીટરની સીરીઝ ખરીદી આખા મકાનને સુશોભિત કરતા હોય તેવો માહોલ સર્જાયો છે.
જો કે ગત વર્ષની સરખામણીમાં ચાઈનીસ લાઈટની સીરીઝમાં ભાવમાં ખાસ કંઈ વધારો નોંધાયો નથી. જ્યારે ચાઈનીઝ સીરીઝની હરિફાઈમાં જાણીતી કંપનીઓએ પણ બજારમાં ઝંપલાવ્યું છે. એક વર્ગ એવો છે કે જેઓ જાણીતી કંપનીની બનાવેલી હોય તેવી સીરીઝ ખરીદવામાં માને છે. જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તામાં મળતી ચાઈનીસ સીરીઝ ખરીદતા હોય છે.
બજારોમાં રૂા.૧૦૦થી માંડી ૫૦૦ રૂપિયાની સીરીઝો જોવા મળી રહી છે. ચાઈનીસ સીરીઝનો પ્રતિબંધ હોવા છતાં આ વર્ષે પણ રાજકોટની બજારોમાં આવી સીરીઝો ઢગલા મોઢે ખડકાઈ છે. શહેરના સાંગણવા ચોકમાં આવી સીરીઝો જોવ઼ા મળે છે. જો કે વેપારીઓના જણાવ્યા અનુસાર ચાઈનીસ સીરીઝ ઉપર પ્રતિબંધ છે પરંતુ ગત વર્ષનો જૂનો માલ પડ્યો છે તે વેચવા માટે કાઢ્યો હોવાનો બચાવ કર્યો હતો. રાજકોટમાં શેરી-ગલીઓમાં ઈલેક્ટ્રીકની દુકાનોમાં મોટાભાગે રંગબેરંગી લાઈટોની સીરીઝો ઝળહળતી જોવા મળે છે ત્યારે સાંગણવા ચોકના બજારમાં રાત્રીના મલ્ટિ કલરની સીરીઝોથી ઝળહળાટ આકર્ષણ બની ગયું છે અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે ખરીદી વધુ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
સેન્સરવાળા દિવા ઉપરાંત સીંગલ કલર, મલ્ટિકલરની સીરીઝ તેમજ રંગ બદલતા લેમ્પની ખરીદીનો વધતો ક્રેઝ
દિવડાની સીરીઝ અને મલ્ટિકલરના લેમ્પનો વધતો ક્રેઝ
રાજકોટની બજારોમાં છેલ્લા કેટલાય દિવસોથી રંગબેરંગી લાઈટોથી ઝળહળતી સીરીઝો જોવા મળી રહી છે ત્યારે દિવાળીના તહેવાર પૂર્વે જ બજારોમાં આવી સીરીઝની ખરીદીનો ક્રેઝ વધ્યો છે. બીજી તરફ દિવડાની સીરીઝ અને મલ્ટિકલર લેમ્પનો ક્રેઝ વધ્યો છે. શહેરના સદર વિસ્તારમાં આવેલા રાજ ઈલેક્ટ્રીકલ્સના સંચાલક સુનિલભાઈ મોટવાણીએ જણાવ્યું હતું કે, દિવાવાળી સીરીઝ ઉપરાંત મલ્ટિકલર સીરીઝ, સિંગલ કલર, વામબ્લુ, વ્હાઈટ, ગ્રીન સીરીઝની ખરીદી વધારે છે. મોટાભાગે સીંગલ કલર કરતા મલ્ટિકલરની સીરીઝની ખરીદીનો વિશેષ આગ્રહ રાખતા હોય છે.