‘સિકકો ના મારવાનો હોય, પેઢી તારા બાપની છે’ કહી પોસ્ટમેનનું નાક તોડી નાખ્યું
હનુમાન મઢી નજીક અલ્કાપુરીમાં રહેતાં ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલકના ઘરે પોસ્ટમેન સ્પીડ પોસ્ટ ડિલિવર કરવા ગયા ત્યારે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી
શહેરના રૈયા રોડ હનુમાન મઢી નજીક અલ્કાપુરીમાં રહેતાં ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલકના નામનું સ્પીડ પોસ્ટ આવ્યું હોઇ જે આપવા માટે પોસ્ટમેન તેના ઘરે ગયા ત્યારે કવર ડિલીવર કર્યા પછી પેઢીના નામનો સિક્કો મારી ડિલેવરી સ્લીપમાં સહી કરી આપવાનું કહેતાં આ શખ્સે ‘સિકકો ના મારવાનો હોય, પેઢી તારા બાપની છે’ કહી ગાળો દઇ મારકુટ કરી પોસ્ટમેનની ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.
વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં કિરણદાસ જાનકીદાસ દુધરેજીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી હનુમાન મઢી નજીક અલકેશ્વર મહાદેવના મંદિર પાસે અલ્કાપુરીના ખુણે રહેતાં ધર્મન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રો. મયંક ખજુરીયા સામે ફરજમાં રૂકાવટ, મારામરી સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.તેઓ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ચારેક માસથી પોસ્ટમેન તરીકે નોકરી કરે છે.તેઓ ગુરૂવારે સવારે પોણા અગીયારેક વાગ્યે સ્પીડ પોસ્ટનું એક કવર કે જે ધર્મન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રો. મયંક ખજુરીયાના નામનું હતું તે ડિલીવર કરવા ગયા હતા ત્યારે કવર આપી રીસીવ કોપી-ડિલીવરી સ્લીપમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સિક્કો મારી સહી કરી આપવા કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, ‘સિકકો ના મારવાનો હોય, પેઢી તારા બાપની છે’ કહી ફરજમાં રૂકાવટ કરી ઢીકાપાટુ મારી નાક ઉપર પણ એક મુક્કો મારી દીધો હતો જેથી મને લોહી નીકળવા માંડયા હતાં.અને તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.