જંગલેશ્વર -દેવપરા અને મવડીમાં ઈવીએમ ખોટકાતા મતદાન ઠપ્પ
મતદારનો સમય વધારે આપવા ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને રજુઆત : 6 વાગ્યા સુધીમાં મતદાન મથકમાં આવનાર તમામને મતદાન કરવા દેવાશે
રાજકોટ : લોકસભા ચૂંટણીમાં ટેક્નિકલ એરરને કારણે સોમવારે બે ઈવીએમ બગડ્યા બાદ મંગળવારે મોકપોલમાં પણ 45થી વધુ ઈવીએમ, વિવિપેટમાં ખોટકો આવ્યો હતો સાથે જ રાજકોટ શહેરના જંગલેશ્વર, દેવપરા અને મવડી વિસ્તારમાં આવેલ શાળાઓમાં ચાલુ મતદાન વખતે જ ઈવીએમ મશીન બંધ થતા મતદાન માટે આવેલા મતદારોની કતારો લાગી હતી.બીજી તરફ ઇવીએમને કારણે કલાકો સુધી મતદાન બંધ રહેતા ભાજપ અને કોંગ્રેસે મતદાનનો સમય વધારવા માંગ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે મતદાન શરૂ થયા બાદ રાજકોટનાં જંગલેશ્વર મેઈન રોડ પર શાળા નં.70નાં બુથ નં.213માં સવારે મતદાન ચાલુ પ્રક્રિયામાં ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાતા મતદાનની પ્રક્રિયા થંભી ગઈ હતી. અંદાજે સવારે 11:47 થી 12:50 દરમિયાન એક કલાક જેટલો સમય સુધી મતદાનની પ્રક્રિયા બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી હતી. મતદાન કરવા માટે આવેલા મતદારો અકળાયા હતા અને અંતે ઈવીએમ મશીન બદલવામાં આવતા ફરી મતદાન શરૂ થતા મતદારોએ હાશકારો અનુભવી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.એક કલાક સુધી મતદાન બંધ રહેતા આ બુથ ઉપર મતદારનો સમય વધારી આપવા કોંગ્રેસના ચૂંટણી એજન્ટ પંકજ કાનાબાર દ્વારા જીલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ શહેરના વોર્ડ નંબર-16માં દેવપરા વિસ્તારમાં આવેલ બુથ નંબર-222 અને વોર્ડ નંબર 11માં બુથ નંબર 38માં પણ મતદાન પ્રક્રિયા ચાલુ હતી તે સમયે જ ઈવીએમ બગડી જતા ભાજપ લીગલ સેલ દ્વારા મતદારોને સમય વધારી આપવા માંગ કરવામાં આવી હતી, જો કે,ચૂંટણીતંત્ર દ્વારા 6 વાગ્યા સુધીમાં મતદાન મથકમાં આવનાર તમામને મતદાન કરવા દેવાશે તેવી ખાતરી આપવામાં આવી હતી.