રામનાથ મંદિરના ગેઈટ માટે રાજકારણ: `ચીપટી’ ઈજનેરને આવી ગઈ !
લોક દરબારમાં મંદિરના ગેઈટને કલરકામ કરવાની રજૂઆત આવતાં ઈજનેરોને દોડાવાયા, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા કામ નહીં કરવા દેવાતાં ટીમ પાછી ફરી
સ્ટે.ચેરમેને ચેમ્બરમાં બોલાવીને ઈજનેરને ખખડાવતાં તેણે કહ્યું, પોલીસ પ્રોટેક્શન આપો એટલે કામ કરીએ !
લાખો ભક્તોની આસ્થાના પ્રતીક એવા વોર્ડ નં.૭માં આવેલા રામનાથ મંદિરના પ્રવેશદ્વારને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગજબનું રાજકારણ ચાલી રહ્યું છે. આ ગેઈટ કોંગ્રેસ દ્વારા બનાવાયા બાદ તેને કલરકામ કરીને આકર્ષક બનાવવાની માંગ ભાજપ દ્વારા આયોજિત લોક દરબારમાં આવતાં ઈજનેરોને દોડાવાયા હતા. જો કે ઈજનેરોએ કામ શરૂ કર્યું કે તુરંત જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે દોડી આવી કામ અટકાવી દેતાં ટીમ પાછી ફરી હતી. ટીમ પાછી ફર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તાત્કાલિક તમામને ચેમ્બરમાં બોલાવી ખખડાવી નાખતાં મામલો ગરમાઈ ગયો હતો.
તાજેતરમાં જ વોર્ડ નં.૭માં લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં રામનાથ મંદિરના ગેઈટને કલરકામ કરવાની માંગ ઉઠી હતી. આ પછી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાત્કાલિક અસરથી આ કામ ડેપ્યુટી ઈજનેર પટેલિયાને જવાબદારી સોંપાઈ હતી. પટેલિયા સહિતની ટીમ ગેઈટને કલરકામ કરવા માટે પહોંચી કે તુરંત જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ રાઠોડે ધસી આવી આ કામ નહીં કરવા દબાણ કરતાં ટીમ વિલા મોઢે પરત ફરી ગઈ હતી. જો કે તે વખતે ઈજનેર પટેલિયા દ્વારા પ્રવીણ રાઠોડને એવું કહેવાયું હતું કે ગેઈટને કલરકામ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો આગ્રહ છે એટલા માટે તમે તેની સાથે વાત કરી લેજો.
આ પછી પ્રવિણ રાઠોડ મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને સ્ટે.ચેરમેન સાથે મુલાકાત કરી હતી. એકંદરે ઈજનેર દ્વારા નેતાઓને આમને-સામને કરી દેવાની રમત રમવામાં આવતાં ચેરમેન જયમીન ઠાકરે તેમને એન્ટી ચેમ્બરમાં બોલાવીને ઠપકો આપ્યો હતો સાથે સાથે સિટી ઈજનેર અતુલ રાવલને પણ બોલાવીને કડક ભાષામાં સમજણ આપી હતી. જો કે ડે.ઈજનેર પટેલિયાએ જયમીન ઠાકરને પણ પોલીસ પ્રોટેક્શન આપો એટલે અમે કામ કરશું તેવું રોકડું પરખાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગેઈટનું કામ હજુ ઘણું બાકી છે, રાજકીય રંગ આપવાની ભાજપની ચાલ: મહેશ રાજપૂત
આ અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે આ પ્રવેશદ્વાર મેં સ્વખર્ચે બનાવેલો છે અને તેનું ઘણું બધું કામ હજુ બાકી છે. હજુ અહીં બે મોટા હાથીની પ્રતિમા સહિતનું મુકવામાં આવશે. આ પછી કામ પૂર્ણ થયે હું પાંચ લાખના ખર્ચે ગેઈટને કલરકામ કરાવીશ. મારે ગેઈટને કોઈનું નામ આપવાનું નથી. અત્યારે ભાજપ દ્વારા કેસરિયા રંગથી ગેઈટને રંગીને રાજકીય રંગ આપવાની ચાલ ચાલવામાં આવી રહી છે જે બિલકુલ વ્યાજબી નથી.