વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી ? કાલે કમિશનરને ફરિયાદ કરજો !
પીડિતોને `ન્યાય’ અપાવવા પોલીસનો હેમુ ગઢવી હોલ ખાતે લોકદરબાર: ૪થી ૫ સુધી અરજી કરી શકાશે
રાજકોટની કદાચ ક્યારેય ન ઉકેલાઈ શકી હોય તેવી સમસ્યા હોય તો તે વ્યાજખોરીને પણ ગણી શકાય ! પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ દાખલો બેસે તેવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી વ્યાજખોરોની હિંમત પણ વધી રહી છે જેના પરિણામે અનેક લોકોએ આપઘાત કરી લેતાં હસતો-રમતો પરિવાર વીખેરાઈ ગયો છે. અગાઉ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી શકાય તે માટે લોકદરબારનું આયોજન કર્યા બાદ હવે આવતીકાલે ફરી તેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા અરજદારો પોલીસ કમિશનરને રજૂઆત કરી શકશે.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા તા.૨૧થી ૩૧ સુધી રાજ્યના દરેક શહેર-જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ લોકદરબાર યોજવા માટે આદેશ અપાયો હોય તેના અનુસંધાને પોલીસ કમિશનર બ્રજેકુમાર ઝાના નેતૃત્વ હેઠળ આવતીકાલે હેમુગઢવી હોલ ખાતે ચાર વાગ્યાથી લોકદરબાર શરૂ થો. આ લોકદરબારમાં વ્યાજખોરો વિરુદ્ધ અરજી કરી હોય છતાં પોલીસે કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેઓ રજૂઆત કરી શકશે. ખાસ કરીને લોકોની ફરિયાદ કે અરજીનો સ્થળ પણ જ ઉકેલ લાવી દેવામાં આવશે. આ માટે ચારથી પાંચ વાગ્યા વચ્ચે પોતાની અરજી જમા કરાવી શકશે અને પાંચ વાગ્યાથી પોલીસ કમિશનર ફરિયાદોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.