સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટીની યોજના
પોરબંદર, ભાવનગર, અમરેલી, કચ્છ, પીપાવાવ, હજીરા અને નારગોલમાંથી થશે સ્થળની પસંદગી
જો બધું સમુસુતરું પાર ઉતરશે તો આવનારા સમયમાં સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠે અબજોના ખર્ચે ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી ઉભુ કરવામાં આવશે. આ માટે પોરબંદર, ભાવનગર, અમરેલી, કચ્છ, પીપાવાવ, હજીરા અને નારગોલમાંથી સ્થળની પસંદગી કરવામાં આવશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે જે આયોજન વિચાર્યું છે તે મુજબ થયું તો આ પોર્ટ સિટી સિગાપોર, દુબઈ, હોંગકોંગના પોર્ટ સિટી જેવા બનશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ એ રાજ્યમાં બંદર વિકસાવવા માટે જાણીતી ક્નસલ્ટિગ કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવી હતી અને આ કામ માટે વૈશ્વિક ગ્લોબલ રીયલ એસ્ટેટ કંપની કુશમેન અને વેકફિલ્ડની પસંદગી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કુશમેન અને વેકફિલ્ડ કંપનીએ આ દિશામાં કામ પણ શરુ કરી દીધું છે અને પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન ૧૨ મહિનામાં તૈયાર થઇ જશે. આ સુત્રો અનુસાર, આ માસ્ટરપ્લાન અને લોકેશન ફાઈનલ થઇ જાય પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડ પોર્ટ સિટી વિકસાવવા માટે ટેન્ડર બહાર પાડશે. આ પોર્ટ સિટીમાં પોર્ટ સંલગ્ન ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર, સ્ટેટ ઓફ ધ આર્ટ કોમર્શીયલ સેન્ટર અને રહેણાંક કોલોની વગેરે ઉભા કરવામાં આવશે. ગુજરાતનો દરિયાકિનારો ૧,૬૦૦ કિમીથી વધુ વિસ્તરેલો છે, જે દેશમાં સૌથી લાંબો છે, તે રાજ્યને મુખ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો માટે અનન્ય સુલભતા આપે છે.