બજરંગવાડીમાં શ્રીનાથજી ડેરીમાંથી મળ્યો વાસી મિઠાઈનો ઢગલો, ગંદકી
જૂના મોરબી રોડ પર ગાયત્રી મદ્રાસ કાફે અને પુષ્કરધામ રોડ પર ફૂડ હોલી-ડે અને ૫૫ કાફેમાં `ચોખ્ખાઈ’ ન મળતાં નોટિસ
મહાપાલિકાની ફૂડ શાખાએ બજરંગવાડીમાં આવેલી શ્રીનાથજી ડેરીમાં દરોડો પાડતાં ત્યાંથી પાંચ કિલો વાસી મિઠાઈનો જથ્થો પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરી પેઢીને નોટિસ ફટકારાઈ હતી. આ ઉપરાંત જૂનો મોરબી રોડ, ૮૦ ફૂટ રોડ પર તીર્થ એપાર્ટમેન્ટમાં આવેલા ગાયત્રી મદ્રાસ કાફે તેમજ પુષ્કરધામ રોડ પર ફૂડ હોલિ-ડે અને ૫૫ કાફેની તપાસ કરતાં ત્યાંથી પણ ચોખ્ખાઈનો અભાવ જણાતાં નોટિસ ફટકારાઈ હતી.
ફૂડ શાખા દ્વારા મુંજકા ગામ વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૧૯ ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરાયું હતું જેમાંથી ૧૧ પાસે લાયસન્સ મળ્યું ન્હોતું. આ ઉપરાંત ગાયત્રી મદ્રાસ કાફેમાંથી સંભાર, વિવેકાનંદનગર, ૪૦ ફૂટ મેઈન રોડ પર હંગામા કુલ્ફીમાંથી સ્પેશ્યલ હંગામા કુલ્ફીના નમૂના લઈને પરિક્ષણ અર્થે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.