મેયરના ‘લોકદરબાર’માં ફરિયાદોનો ઢગલો: ઉકેલ આવે (તો) ત્યારે સાચું !
સૌથી વધુ ૨૮ ફરિયાદ સાફ-સફાઈની, ૨૫ ફરિયાદ ગેરકાયદે બાંધકામની: ગટર ચોકઅપ થઈ જવા, ગેરકાયદે દબાણ સહિતની ૮૨ ફરિયાદો
ચૂંટાઈ ગયા બાદ ધારાસભ્ય કે સાંસદ વિસ્તારમાં ડોકીયું નહીં કરતાં હોવાની પણ રાવ: લોકદરબારમાં પણ ગેરહાજરી
કોંગ્રેસ-આમ આદમી પાર્ટીએ પણ
દાવ’ લેવાનું શરૂ કરતાં ચેરમેને કહ્યું, પહેલાં બેઠકો તો વધારો…!
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાના પદાધિકારીઓ એકદમ મૂર્છિત' અવસ્થામાં થઈ ગયા હોય તેમ લોકસંપર્ક વિહોણા થઈ જવા પામ્યા હતા. આ કાંડને કારણે અધિકારીઓની સાથે જ પદાધિકારીઓ ઉપર પણ બેફામ માછલા ધોવાઈ રહ્યા હોય તેનો
તોડ’ કાઢતાં ભાજપ દ્વારા લોકદરબારનું આયોજન ગોઠવી નાખવામાં આવ્યું છે. વોર્ડ નં.૧થી ૧૮માં લોકોની ફરિયાદ સાંભળવા માટે ખુદ મેયર સહિતના પદાધિકારીઓએ જવાનું શરૂ કર્યું છે ત્યારે સોમવારે વોર્ડ નં.૧માં આયોજિત લોક દરબારમાં ફરિયાદોનો ઢગલો થઈ ગયો હતો જેને જોઈને ઉપસ્થિત લોકોએ કહ્યું કે હવે આ ફરિયાદોનો ઉકેલ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું…!
વોર્ડ નં.૧માં ધરમનગર સોસાયટી, શેરી નં.૩ના ખૂણે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ ઉપરાંત વોર્ડ નં.૧ના ચારેય કોર્પોરેટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બે કલાક સુધી ચાલ્યો હતો જેમાં સૌથી વધુ ૨૮ ફરિયાદ ગંદકીને લગત આવી હતી. આ પછી બીજા ક્રમે ૨૫ ફરિયાદ ગેરકાયદે બાંધકામ સંબંધિત હતી. આ જ રીતે ડે્રનેજને લગતી ૪, ટાઉન પ્લાનિંગની લગતી ૬, દબાણ હટાવને લગતી ૬, પરચુરણ ૬, રોશનીને લગતી ૩, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટને લગતી ૩ અને ગાર્ડનને લગત એક મળી કુલ૮૨ ફરિયાદ મળી હતી.
આ તમામ ફરિયાદો નોંધીને તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે વોર્ડ ઓફિસર તેમજ લાગુ વિભાગના જવાબદારોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. બીજી બાજુ લોકોની એવી ફરિયાદો પણ આવી હતી કે ચૂંટાઈ ગયા બાદ ધારાસભ્ય કે સાંસદ વિસ્તારમાં ડોકાતાં નથી. વળી, તેમની આ ફરિયાદ સાચી હોય તેમ લોકદરબારમાં પણ ધારાસભ્ય કે સાંસદ ઉપસ્થિત રહ્યા ન્હોતા.
બીજી બાજુ લોક દરબારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ `દાવ’ લેવાનું શરૂ કરતાં જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે શાંતમને જવાબ આપ્યો હતો કે પહેલાં તેમણે મહાપાલિકામાં પોતાની બેઠક વધારવી પડશે !!
આજે વોર્ડ નં.૨માં યોજાશે લોકદરબાર'
આજે વોર્ડ નં.૨માં સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી વોર્ડ નં.૨માં વોર્ડ ઓફિસ, ગીત ગુર્જરી સોસાયટી, રામેશ્વર ચોક પાસે, એરપોર્ટ રોડ ખાતે
લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુક્તમને ફરિયાદ કરવા મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે.