આ દિવાળીએ લોકો ફરવાના મૂડમાં નથી : ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સુસ્ત, બુકિંગમાં ૪૫%નો ઘટાડો
ગોવા, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોરની ફ્લાઇટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો
દિવાળીના તહેવારમાં ૯૦ થી ૯૫ કરોડ રૂપિયા હરવા ફરવા પાછળ વાપરી નાખતાં
રાજકોટવાસીઓ નિરસ હોવાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ ફુલ ફ્લેશમાં ટેકઓફ નહીં થાય
આ દિવાળીએ ફરવા જવાનું સસ્તું થયું છે તો રાજકોટની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સુસ્ત છે. દર વર્ષે જેમ આ વર્ષે ટુરિસ્ટોનું બુકિગ ૪૫% જેવું ઘટ્યું છે. જોકે રંગીલા રાજકોટવાસીઓ હરવા ફરવા પાછળ ભારે ઉત્સાહિત હોય છે. ખાસ કરીને સાતમ-આઠમને ત્યારબાદ દિવાળીના વેકેશનમાં કરોડો રૂપિયા ખર્ચને સૌરાષ્ટ્રવાસીઓ દેશ વિદેશના પ્રવાસે માટે ઉડાન ભરે છે.
આ વર્ષે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ ભાડામાં પણ ૨૫% જેટલો ઘટાડો નોંધાયો છે ત્યારે લોકોનો ફરવાનો મૂડ બરાબર જામ્યો નથી જેને લઈને ટ્રાવેલ એજન્ટો પણ હવે ચિતામાં આવી ગયા છે.
દિવાળીના આજે હવે દસ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર ફરવા માટેનો મૂડ રાજકોટવાસીઓએ આ દિવાળીએ બનાવ્યો નથી જેની અસર બુકિગ પણ જોવા મળી રહી છે.
આ વખતે મોટાભાગના લોકો સમર વેકેશનમાં પ્રવાસ પર ઉપડી ગયા હતા અને બાકી રહેતા લોકો સાતમ આઠમમાં ગયા હતા, બીજું એક કારણ એવું પણ છે કે કોરોનાકાળમાં ઘરની ચાર દિવાલમાં પુરાઈ રહેલા લોકો કોરોના બાદ ખુબ ફર્યા છે હવે બ્રેક લગાવી છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશનના દિલીપભાઈ મસરાણીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે બધી જ ફ્લાઈટોના ભાડામાં ઘટાડો થયો છે જેમ કે અમદાવાદ થી ગોવા૭૫૦૦, કાશ્મીર ૨૦૦૦૦, બેંગ્લોર -હૈદરાબાદ ૧૫૦૦૦, કેરેલા ૩૦૦૦૦, દાર્જિલિગ સિક્કિમ ૨૦,૦૦૦ જ્યારે દુબઈ, બાલી રિટર્ન ટિકિટ ૩૦૦૦૦ માં થઈ રહી છે, પરંતુ આ વખતે ટ્રાફિક ખૂબ જ ઓછો નોંધાઈ રહ્યો છે.
અગાઉથી બ્લોક બુક કરાયેલા હોવાથી હવે પાણીના ભાવે ટિકિટનું વેચાણ
ભાવ ઘટવા પાછળનો એક મુખ્ય કારણ એ પણ છે કે અગાઉથી એજન્ટોએ એરટિકિટના બ્લોક બુક કરાવવી લીધા હોય છે અને જે પડ્યા હોવાથી આ તહેવારની સિઝનમાં તેઓ પાણીના ભાવે ટીકીટ કરતા હોય છે. અમુક એજન્ટોની આ નીતિના લીધે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટો ફટકો પડે છે.
પર્સનલ કરતાં પેકેજ બુકિંગ વધુ
ટ્રાવેલ એજન્ટ નૈમિશ કેસરિયાએ જણાવ્યું હતું કે વ્યક્તિગત કરતા હવે લોકો પેકેજ બુકિગ પણ વધુ ભાર મૂકી રહ્યા છે. મિત્રો અને પરિવાર સાથે ટુરમાં જવાનું પસંદ કરે છે જેથી કરીને ટે્રન કે એરટીકીટ થી માંડી હોટલ અને હરવા ફરવાના સ્થળોમાં બુકિગ સુધીની કોઈ પરોજણ રહેતી નથી. વિમાની ભાડા ઘટ્યા છે તેમ છતાં ટે્રનમાં બુકિગ ફૂલ છે.
આ વર્ષે અયોધ્યા તરફ ભાવિકોનો પ્રવાહ
ધાર્મિક સ્થળોમાં આ વર્ષે સૌથી વધારે અયોધ્યા તરફ પ્રવાસીઓએ બુકિગ કરાવ્યું છે જેમાં અમદાવાદથી પણ હવે અયોધ્યા માટેની બે ફ્લાઈટ ઉડાન ભરશે,૭મી ઓક્ટોબરથી વધુ એક અયોધ્યા માટેની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. દર વર્ષે હરિદ્વાર ઋષિકેશ માટે ભાવિકોની નોંધપાત્ર સંખ્યા નોંધાય છે જેની સામે આ વર્ષે અયોધ્યા તરફનો પ્રવાહ વધ્યો છે.