રેસકોર્સમાં રાવણ દહન: આતશબાજી, લેઝર શો જોવા લોકો ઉમટ્યા
દશેરાના પર્વને અસત્ય પર સત્યની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટના રેસકોર્સમાં સત્યના વિજયનો પ્રતિક સમા પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે જય શ્રી રામના નારા સાથે રેસકોર્સનું મેદાન ગુંજી ઉઠ્યું હતું. રાજ્યમાં સૌથી ઉંચા પૂતળૂ રાજકોટમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આતશબાજી સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નવરાત્રિના પર્વની ભક્તિભાવ સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી બાદ દશેરા પર્વ પર શહેરના રેસકોર્સમાં ગુજરાતનાં સૌથી ઉંચા 60 ફૂટના રાવણના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ ઉપરાંત 30-30 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે રાવણ દહન ઉપરાંત આતશબાજી અને પહેલીવાર લાઇટિંગ લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ લેઝર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યા હતા.