પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આખરે ન્યુરો સર્જનની કાયમી નિમણુક કરાઈ
હેમરેજ અને મગજના નિદાન માટે હવે દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે
સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ ગણાતી પીડીયુ સીવીલ હોસ્પિટલમાં કેટલાક સમયથી ન્યુરો સર્જન ન હોવાથી હેમરેજ અને મગજના નિદાન માટે દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં ધક્કા ખાવા પડતા હતા.પરંતુ આરોગ્ય મંત્રીની હોસ્પિટલમાં વિઝિટ થયાના ગણતરીના દિવસોમાં જ સરકાર દ્વારા ડો.તેજસ ચોટાઈની ન્યુરો સર્જન તરીકે નિમણુક કરવામાં આવી છે.

રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન ડો.અંકુર પાંચાણી અને તેની સાથેની ન્યુરો તબીબની ટીમે રાજીનામા આપ્યા બાદ ઘણા સમયથી કાયમી ન્યુરો સર્જનની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર સરકારમાંથી કોઈ ન્યુરો સર્જન મુકવાને બદલે પ્રાઇવેટ પ્રેકિટસ કરતા ન્યુરો સર્જનથી કામ ચલાવવામાં આવતું હતું. અને ઇમરજન્સી બનાવમાં ન્યુરો સર્જન ન હોવાથી દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા હતા. આ બાબતે અનેક વખત અનેક સંસ્થા એનએ રાજકીય અગ્રણીઓ દ્વારા કાયમી ન્યુરો સર્જન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે તાજેતરમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત બાદ તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્રારા અંગત ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર જીજી હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. તેજસ ચોટાઈની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બદલી કરતો ઓર્ડર કરી કાયમી ન્યુરો સર્જનની જગ્યા ભરવામાં આવી છે. સરકારે ડો.તેજસ ચોટાઈની પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટ ખાતે નિમણુકં કરતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ વિનામુલ્યે સારવાર મળી જશે.