પાયલ ઇફેક્ટ : તમામ હોસ્પિટલોમાંથી કેમેરા હટાવવા આદેશ
સીસીટીવી કેમેરા રાખવાથી મેડિકલ એથિક્સનો સરાજાહેર ભંગ
પાયલ મેટરનિટી હોમમાં લેબરરૂમમાં પણ સીસીટીવી હોવાનો ધડાકો : જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી દ્વારા પાયલકાંડમાં તપાસ
હોસ્પિટલો માત્ર એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગમાં જ સીસીટીવી કેમેરા રાખી શકે
રાજકોટ : રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરામાં મહિલા દર્દીઓને ઇન્જેક્શન આપતા હોય તેમજ તપાસણી કરવામાં આવતી હોય તેવા વિડીયો હેકર્સ દ્વારા હેક કરી યુટ્યુબ ઉપર વેચાણ કરવા મામલે સાયબરક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે તેવા સમયે જ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા વાળી ખાસ તપાસ કમિટીએ પણ પાયલ મેટરનિટી હોમની વિઝીટ કરતા અહીં લેબરરૂમમાં પણ સીસીટીવી ફિટ કરાયા હોવાનું સામે આવતા તપાસ કમિટીએ શહેર-જિલ્લાની તમામ હોસ્પિટલોમાંથી સીસીટીવી કેમેરા હટાવવા આદેશ કરતો પરિપત્ર અમલી બનાવ્યો છે. ઉપરાંત સરકારના નવા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ સીસીટીવીને લઈ સુધારા કરવા સરકારને રિપોર્ટ કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત શનિવારે રાજકોટની પાયલ મેટરનિટી હોમ સહિતની કેટલીક હોસ્પિટલોમાં મહિલાની ગરિમા ન જળવાઈ તેવા લેબર રૂમ તેમજ હોસ્પિટલના ઇન્સ્પેક્શન રૂમના વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પાયલ મેટરનિટી હોમના સીસીટીવી ફૂટેજ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્રના બે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. હાલમાં આ મામલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફૂલમાળીની અધ્યક્ષતામાં બનેલી તપાસ કમિટીએ પણ પાયલ મેટરનિટી હોમની સ્થળ તપાસ કરી હતી જેમાં પાયલ મેટરનિટી હોમમાં લેબરરૂમમાં પણ સીસીટીવી ફિટ કરાયા હોવાનું અને હાલમાં સીસીટીવી કેમેરા હટાવી દેવાયા હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાળીએ જણાવ્યું હતું કે, મેડિકલ એથિક્સ મુજબ હોસ્પિટલમાં પેશન્ટની પ્રાયોરીટીને અગ્રતા આપવાની હોય છે જેથી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવી શકાતા નથી. પાયલ મેટરનિટી હોમની ઘટનાને પગલે હાલમાં રાજકોટ શહેર-જિલ્લાની તમામ હોસ્પિટલ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલના પાર્કિંગ અને એન્ટ્રી એક્ઝિટ સિવાયના સ્થળ ઉપર સીસીટીવી નહીં રાખવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.
પાયલ મેટરનિટી હોમમાં દર્દીઓની પર્સનલ માહિતી મંગાતી હતી
રાજકોટ શહેરના રૈયા રોડ તેમજ મવડી સહિતના વિસ્તારમાં આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ચેકઅપ માટે જતા દર્દીઓ પાસેથી હોસ્પિટલનો સ્ટાફ અંગત માહિતી પણ ધરાર મેળવતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પાયલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા એક પેશન્ટના જણાવ્યા મુજબ અહીં 1000 રૂપિયા કેસ ચાર્જ લીધા બાદ પેશન્ટના મોબાઈલ નંબરની સાથે તેમના પતિના મોબાઈલ નંબર, પતિ અને પત્નીના ઇમેઇલ એડ્રેસ, સંતાનો અંગેની માહિતી, માતા અને પિતા અંગેની માહિતી ઉપરાંત અન્ય કેટલીક અંગત માહિતીઓ પણ પરાણે માંગવામાં આવતી હોય હોસ્પિટલ દર્દીઓની આવી ખાનગી માહિતી શા માટે માંગતી હતી તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.