વેરો ભરો નહીંતર…! ૩૮૭ દિવસમાં ૧૯૪૯ મિલકતો સીલ-૧૬૮ નળ કટ
સૌથી વધુ ૪૫.૦૪ કરોડનો વેરો વોર્ડ નં.૭માંથી તો સૌથી ઓછો ૭.૧૦ કરોડનો વેરો વોર્ડ નં.૧૬માંથી ભરાયો
ગત વર્ષે ૧૦૩૪ મિલકતો સીલ-૭૬ નળ કટ થયા’તા જેની સામે આ વર્ષે સીલિંગની સંખ્યામાં ૯૧૫નો વધારો
૧૯૪૯ મિલકતને સીલ લાગતાં જ ૧૨૮૩એે ફટાફટ વેરો ભરી દીધો: હવે વેરા શાખા સામે ૯ દિ’માં ૨૮ કરોડ ભેગા કરવાનો પડકાર
નવું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ શરૂ થવા આડે હવે ૯ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ૩૧ માર્ચ પહેલાં મહાપાલિકાની વેરા વસૂલાત શાખા સામે ૩૭૫ કરોડની વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો મહાકાય પડકાર ઉભેલો છે. આ પડકારને હાંસલ કરવા માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી કદાચ લક્ષ્યાંક ભલે પૂર્ણ ન થઈ શકે પરંતુ તેની આસપાસ પહોંચીને પાછલા વર્ષના રેકોર્ડ જરૂર તૂટશે તેવું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. એકંદરે આ લક્ષ્યાંક હાંસલ કરવા અથવા તો તેના નજીક પહોંચવા માટે તંત્રએ શરૂઆતથી જ આક્રમક વલણ અખત્યાર કરીને વેરો ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરનારા બાકીદારોની મિલકતો ધડાધડ સીલ કરવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે વેરાની નોંધપાત્ર રકમ જમા થવા પામી છે. તંત્રએ ૩૮૭ દિવસની અંદર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૯૪૯ મિલકતોને સીલ મારી દીધા છે તો ૧૬૮ નળ કનેક્શન કાપી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડવાઈઝ વાત કરવામાં આવે તો વોર્ડ નં.૭ના ૩૭૧૭૯ લોકોએ ૪૫,૦૪,૦૫,૫૪૮ રૂપિયાનો વેરો ભરપાઈ કર્યો છે. આ સાથે જ વેરો ભરપાઈ કરવામાં અઢારેય વોર્ડમાં આ વોર્ડ પ્રથમ ક્રમે છે. આ પછી બીજા ક્રમે વોર્ડ નં.૧૧ છે જ્યાંના ૪૨૨૪૨ લોકોએ ૩૨.૪૫ કરોડ, વોર્ડ નં.૮ના ૨૨૦૧૩ લોકોએ ૨૯.૬૨, વોર્ડ નં.૧૦ના ૨૪૧૧૭ લોકોએ ૨૪.૯૯, વોર્ડ નં.૧૨ના ૨૮૪૬૬ લોકોએ ૨૨.૨૦ કરોડનો વેરો ભર્યો છે. જ્યારે સૌથી ઓછો વેરો વોર્ડ નં.૧૬માંથી ૭.૧૦ કરોડનો જ ભરપાઈ થયો છે. અહીં ૯૭૩૭ લોકોએ જ વેરો ભરવાનું મુનાસીબ માન્યું છે ત્યારે સૌથી વધુ મિલકત સીલિંગ પણ આ જ વોર્ડમાં થયું હોવાનું ધ્યાન પર આવ્યું છે.
ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે ૧ એપ્રિલ-૨૦૨૩થી ૨૧ માર્ચ ૨૦૨૪ સુધીના ૩૮૭ દિવસમાં કુલ ૧૯૪૯ મિલકતો સીલ અને ૧૬૮ નળ કનેક્શન કપાત કરાયા છે. આ કાર્યવાહી કરાતાં જ ૧૯૪૯માંથી ૧૧૮૯ બાકીદારોએ વેરો ભરપાઈ કરી દીધો તો ૧૬૮માંથી ૯૪ નળ કનેક્શન ફરી આપવામાં આવ્યા છે. ગત વર્ષે ૧૦૩૪ મિલકતો સીલ કરાઈ હતી તો ૭૬ નળ જોડાણ કપાત કરાયા હતા જેની સામે આ વર્ષે ૯૧૫નો વધારો થવા પામ્યો છે. હવે ૯ દિવસની અંદર વેરા શાખા સામે ૨૮ કરોડ ભેગા કરવાનો પડકાર છે ત્યારે ૩૭૫ કરોડનો લક્ષ્યાંક હાંસલ થાય છે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે.
૭૧૨ બાકીદારોના ૩.૭૧ કરોડના ચેક રિટર્ન
અધિકારી સૂત્રોએ જણાવ્યું કે કુલ ૩,૮૯,૨૫૨ લોકોએ વેરો ભરપાઈ કર્યો છે જેમાંથી ૭૧૨ બાકીદારોના ૩.૭૧ કરોડની રકમના ચેક રિટર્ન થયા છે. જો કે રિટર્ન થવા પાછળ તમામમાં ખાતાની અંદર અપૂરતી ભંડોળ જવાબદાર નથી. અમુકે તારીખ-રકમ લખવામાં ભૂલ કરી હોવાથી રિટર્ન થયા છે ત્યારે એક મહિનાની અંદર રિટર્ન થયેલા ચેકની મડાગાંઠ ઉકેલી નખાશે અને જો એક મહિનાની અંદર રિટર્ન ચેકની રકમ ભરપાઈ નહીં કરાય તો પછી કેસ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.