પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈને…..પરેશ ધાનાણીના નિવેદનથી નવો વિવાદ
વિવાદ ઉભો થતાં પટેલોને સરદારના વંશજો ગણાવ્યા અને બાપુઓને ક્ષત્રિયો
પુરુષોત્તમ રૂપાલાના મોઢેથી બોલાયેલા રોટીબેટીના શબ્દથી શરુ થયેલો વિવાદ હવે રાજા રજવાડાઓ સુધી પહોચ્યા બાદ હરખપદુડા સુધી પહોચી ગયો છે. રોજ સવાર પડે ને એક નેતા વિવાદી શબ્દો બોલે છે અને પછી તેના ઉપર ક્રિયા-પ્રતિક્રિયા આવે છે. લોકસભાની ચૂંટણીમાં વિકાસની વાતો એક બાજુ રહી ગઈ છે અને વ્યક્તિગત આરોપોની ભરમાર જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક સભામાં પટેલીયા અને બાપુઓ હરખપદુડા હતા તેવું કહીને નવો વિવાદ ઉભો કર્યો છે તો તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સીઆર પાટીલે કહ્યું છે કે, હાર ભારી જતાં કોંગ્રેસના નેતા બફાટ કરી રહ્યા છે.
પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિય સમાજ ભાજપનું સમર્થન કરે છે તેને ટાંકીને કહ્યું હતું કે, પટેલ સમાજ ભાજપને સમર્થન કરે છે. પટેલ અને ક્ષત્રિયોએ ભાજપરૂપી વૃક્ષને પાણી પાઈને વટવૃક્ષ બનાવ્યું. પટેલ અને ક્ષત્રિયોએ હરખપદૂડા થઇને પાણી પાયું. છતાં ભાજપના નેતાઓ પટેલ અને ક્ષત્રિયોની કદર કરતા નથી. સાથે સાથે ધાનાણીએ પાટીદાર આંદોલન વખતે મહિલા પર ભાજપ સરકારે જે અત્યાચાર કર્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જો કે આ અંગે વિવાદ થયા બાદ પત્રકારોએ પૂછતાં પરેશ ધાનાણીએ પટેલ શબ્દને બદલે સરદારના વંશજો અને ક્ષત્રિયો એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.
આ અંગે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉમેદવારે બન્ને સમાજની માફી માગવી જોઈએ. પરેશ ધાનાણીએ બધાની માફી માગવી જોઈએ. ગુજરાતમાં ભાવનગર અને ગોંડલ રાજવીએ પોતાના રજવાડા સરકારને સોંપી દીધા છે. કોંગ્રેસના નેતાઓ હાર ભારી ગયા છે જેથી આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે.
ધાનાણીએ શું કહ્યું….
રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ કોંગ્રેસની સભામાં નિવેદન આપ્યું હતું કે, 1995માં આપણે 18 વર્ણ એક થઇ ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાયે લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું. અને એમાં અમે પટેલીયાઓ અને બાપુ બેય હરખપદુડા. ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું. કે આ જલ્દી ઝાડ મોટું થાય અને ભરઉનાળે છાંયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાંહા ફાટી ગ્યા. આ જ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી, એની પોલીસે અમારી મા, બેન, દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો. એના શીયળની લાજ બચાવવા માટે બોર-બોર જેવડા આંસુ પડે..એના આંસુડા એના અહંકારને ઓગાળી ન શક્યા…હું તે દિવસે કહેતો હતો વારા ફરતી વારો અને મેં પછી ગારો. કોઇ બાકી રહ્યું છે ખરા?
સી.આર. પાટિલે શું કહ્યું …..
આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં નેતાઓનાં નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીઓ તે બફાટ કરવાનો એમનો સ્વભાવ છે. આજે જ્યારે તેમને ભીંત ઉપર તેમની હાર દેખાઈ રહી છે. અને ગુજરાતમાં તો ક્લીયરકટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ બોખલાહટનાં કારણે ગમે તેવા નિવેદનો કરવા ગમે તે સમાજ માટે, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા. ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજા માટે પણ બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા. કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. તેમને ઈતિહાસ ખબર નથી. સ્વાભિવિક છે કે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઈતિહાસ જાણવામાં તેમને કોઈ રસ નથી. એટલા માટે એમણે આવી વાત કરી છે.