આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે પરેશ ધાનાણી: બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા
શક્તિસિંહ, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના રહેશે હાજર: સભાને ક્ષત્રિય સમાજનો ટેકો
અત્યંત ચર્ચાસ્પદ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરશે. ફોર્મ ભરતાં પહેલાં ધાનાણી દ્વારા બહુમાળી ચોકમાં જંગી જાહેરસભાને સંબોધન કરવામાં આવશે જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું કે પરેશ ધાનાણી આજે બપોરે ૧૨:૩૯ વાગ્યાના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. તે પહેલાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે જેમાં રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ-આપના તમામ આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સભાને ક્ષત્રિય સમાજ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવતાં પહેલાં બહુમાળી ચોકમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું તે જ રીતે હવે પરેશ ધાનાણી પણ સભા કરવાના છે ત્યારે તેમાં કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે તેના પરથી કોંગ્રેસ-આમ આદમી પાર્ટીની તાકાત મપાઈ જશે.
ક્ષત્રિય સમાજ પરંપરાગત પોશાક-સાફામાં રહેશે હાજર
રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે આજે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી નોંધાવતાં પહેલાં સભાને સંબોધન કરવામાં આવનાર છે ત્યારે તેમાં ક્ષત્રિય સમાજને પરંપરાગત પોશાક-સાફાશમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે અને આ સભામાં સમાજ કેટલી સંખ્યામાં ઉપસ્થિત રહેશે છે તેના રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે.